2002 ની સાલમાં 200 રૂપિયાની લાંચ લેનાર પોલીસકર્મીને 2 વર્ષની સજા સંભળાવતી કોર્ટ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
અરજી ફાઈલે કરવા લાંચ લેનાર પોલીસકર્મીને સજા સંભાળવી લાંચિયા બાબુઓ માટે કોર્ટે વધુ એક દાખલો બેસાડી દીધો છે, આ કેસની વિગતો એવી છે કે વર્ષ 2002 માં ફરીયાદીના બનેવી વિરૂધ્ધ જામખંભાળીયા પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી. આ અરજીની તપાસ જામખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન પો.હેડ કોન્સ. નીરૂભા પોપટભાઇ જાડેજા દ્રારા કરવામાં આવી હતી. આ અરજી ફાઇલ કરવાની અવેજ પેટે આરોપી પોલીસકર્મીએ રૂ.2000ની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.1000 આપવાનો વાયદો થયો હતો.
જે વાયદા પૈકી રૂ.800 ની રકમ આપી દીધા બાદ બાકીના રૂ.200 બાબતે આરોપી પોલીસકર્મીએ અવારનવાર ઉઘરાણી કરી હતી. જેને લઈને ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી, એ.સી.બી.ના ટ્રેપીંગ અધિકારી મારફતે આરોપી વિરૂધ્ધ છટકુ ગોઠવાયુ હતું. જેમાં તા.05/09/2002 ના રોજ આરોપી પોલીસકર્મી રૂપિયા 200ની લાંચ લેતા પકડાઈ ગયા હતા. એસીબીએ જે તે સમયે આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન એસીબી દ્વારા તાપસ પૂર્ણ કરી ખંભાળિયા સેશન્સ કોર્ટમા ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એલ.આર.ચાવડાની દલીલો આધારે બીજા એડીશ્નલ સેશન્સ જજ ડી.ડી.બુધ્ધદેવે આરોપીને લાંચ રૂશ્વત નિવારણ ધારા 1988ની કલમ-7 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂ.2000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા તથા લાંચ રૂશ્વત નિવારણ ધારા 1988 ની કલમ 130(1)(ઘ) તથા 132) મુજબના ગુન્હામાંતકસીરવાન ઠરાવી 2 વર્ષની સાદી કેદની સજા તથા રૂ.5000 નો દંડ અને જો દડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.