કલ્યાણપુર બોકસાઈટ ચોરી મામલે ખાણ-ખનીજ અધિકારીએ શું કર્યા સ્ફોટક ખુલાસા..

પોલીસ વિશે શું કહ્યું.?

કલ્યાણપુર બોકસાઈટ ચોરી મામલે ખાણ-ખનીજ અધિકારીએ શું કર્યા સ્ફોટક ખુલાસા..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લો બોકસાઈટ અને રેતી ચોરી મામલે દિવસેને દિવસે કુખ્યાત બનતો જાય છે, ત્યારે ખનીજ ચોરીના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યુ છે,અને અમુક ચોક્કસ વિભાગો સામે ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે,ત્યારે કલ્યાણપુર વિસ્તારમાં બોકસાઈટ ચોરી મામલે પોલીસની ભૂમિકા સહિતની બાબતોએ Mysamachar.in ની સાથેની ટેલિફોનિક વાતચીતમાં ખાણ-ખનીજ અધિકારી એન.એ.પટેલ દ્વારા અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં બેફામ બોકસાઇટ ચોરી મામલે ખાણ-ખનીજ અધિકારી એન.એ.પટેલે જણાવ્યું હતું કે, બોકસાઇટ ચોરીને ડામવા માટે સતત પ્રયાસ કરવા આવી રહ્યા છે અને પોલીસના કથિત હપ્તાખોરીના ખેલ અંગે પત્રકારોથી માંડીને સૌ કોઈ જાણે છે કે, શું પરિસ્થિતિ છે તેમ જણાવીને આ મામલે વધુ કશું જ ન કહેવાનો ઇન્કાર કરીને ગર્ભિત સંકેતો આપ્યા હતા અને પોલીસ કે અન્ય વિભાગ ખનીજ ચોરી અટકાવા મામલે સહકાર ન આપતા હોવાના કિસ્સામાં ખાનગીમાં તબક્કાવાર અહેવાલ પણ કરવામાં આવે છે અને અહેવાલો કરેલા છે તેવું જણાવ્યુ હતું,

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ માફિયા તત્વો બોકસાઈટ ચોરીને અંજામ આપવા માટે ખાણ-ખનીજ કચેરી પર અને અધિકારી, સ્ટાફ પર સતત પળેપળની નજર રાખવામાં આવે છે,કેમ કે,દરોડા પાડવા કાર્યવાહી થાય તે પહેલા બોકસાઈટ ચોરી અંગેના તમામ સાધનો સગેવગે કરવામાં સરળતા રહે છે,આથી ચીવટપૂર્વક બોકસાઈટ ચોરી ડામવા માટે કામગીરી કરવી પડતી હોવાનો એકરાર એન.એ.પટેલે કર્યો છે.

આમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બોકસાઈટ ચોરી મામલે ખાણ-ખનીજ વિભાગ અપૂરતા સ્ટાફ વચ્ચે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અને અન્ય ચોક્કસ વિભાગ સાથે ખનીજ માફિયા તત્વોના સેટિંગના કારણે કામગીરી પર અસર પડી રહી છે.ઉપરાંત સરકારના ખનીજ ચોરી અટકાવવા માટે ૨૦૧૨ના પરિપત્રના આધારે ખાણ-ખનીજ અધિકારી ઉપરાંત પોલીસ, મામલતદાર, ડી.ડી.ઓ, ફોરેસ્ટ અધિકારી વગેરેની પણ કમિટી બનાવીને જવાબદારી નક્કી કરવાં આવી છે,છતાં પરિપત્ર પ્રમાણે અમલવારી ન થતી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.