Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની પાણી સમિતિની અને અછતની મીટીંગ દર અઠવાડીયે મળે છે,તે માત્ર આકડાકીય આપ-લે કરવા માટે જાણે મળતી હોય તેવી સ્થિતિ સર્જાય છે.પાણી સમિતિમાં તાલુકા-ગ્રામ્યના રિપોર્ટ રજૂ થવા જોઇએ, સંસ્થાઓ-નાગરીકો-જનપ્રતિનિધિઓના સુચનો રજૂ થવા જોઇએ,તે સુચનો ઉપર નિર્ણય લઇ પાણી વિતરણનું સુચારૂ આયોજન કરવુ જોઇએ..નહી તો એકલ-દોકલ ડેમોમાંથી અપાતા પાણી ગામોના કુવામાંથી અપાતા પાણી અને નર્મદાના અપાતા પાણીના માત્ર આંકડાઓ સાથે ટેન્કરના ફેરાઓની વિગત તેમજ જુજ ઘાસ વિતરણ અને સહાય અંગેના આંકડાઓ રજૂ કરવા મીટીંગ થતી હોય તેવું ચિત્ર ઉપસે છે.
આવી રૂટીન મીટીંગથી વાસ્તવીક સ્થિતિ અંગેની જાણકારી પાણી સમિતિના દરેક સભ્યોએ કેમ મળતી હશે એટલુ જ નહી જે રીતે અગાઉ પાણી પુરવઠા સચિવએ ગ્રાઉન્ડ રીપોર્ટની વાત કરી હતી તે મુજબ ગામે-ગામની સ્થિતિ જાણવી જોઇએ નહી તો આ મીટીંગમાં તો એવુ ચિત્ર ઉપસે છે કે જિલ્લાની પાણીની જરૂરીયાત છે તે મુજબ પાણી પુરૂ પડાય છે,અને કોઇ તકલીફ નથી જ્યારે વાસ્તવીકતા કઈક અલગ છે.બીજી તરફ જુલાઇ સુધી પાણીની તકલીફ નહી પડે તેમ કહેવાય છે પરંતુ હવે ડેમો અને કુવા તો માત્ર પંદર દિવસ જ ચાલશે તે ચર્ચા ગંભીરતાથી થતી નથી પત્રકમાં દર્શાવી અપાય છે.
પાણી સમિતિએ A.C. હોલમાં મીટીંગ કરવાના બદલે ફિલ્ડ સર્વે કરવો જરૂરી
પાણી સમિતિની મીટીંગનો ખરો હેતુ સિદ્ધ કરવો હોય તો‘સમસ્યા’ કયારેય‘એ.સી.’ હોલમાં બેસીને અને કંપનીઓની પાણીની બોટલોના પાણી પીતા-પીતા હલ ન થાય.પીવાનું પાણી મેળવવું એ નાગરીકોનો અધિકાર છે,તે પુરે-પુરો અપાવવો હોય તો દર અઠવાડીયે ગ્રાઉન્ડમાં સમિતિ જાતે જાય, ભલે દરેક સ્થળે ન પહોંચી શકે પરંતુ કોઇ વખત ડેમ સાઇટ, કોઇ વખત કેનાલ સાઇટ, કોઇ વખત વિસ્તારો, કોઇ વખત ગામડાઓની વિઝીટ કરવી જોઇએ તો જ વાસ્તવિકતાનો ખ્યાલ આવે તેમ લાગી રહ્યું છે.
પમ્પીંગ-વીજ પુરવઠા-વિતરણના ધાંધીયાનું શું?
જિલ્લા પાણી સમિતિમાં હજુ સુધી એવુ મુકાયાનું જાહેર થયુ નથી કે વીજ પુરવઠાની ક્ષતિના કારણે પાણી વિતરણ મોડુ થયુ અથવા ન થયુ તેથી કેટલા લોકોને હાલાકી થઇ? પમ્પીંગ મશીનરી બગડી ગઇ તો કેવી હાલાકી થઇ? બધુ જ બરાબર હોય તો યોગ્ય અને નિયત સમયે અને પુરતુ વિતરણ થયુ કે નહીં? તેનું રિપોર્ટીગ થતુ જ નથી.
તમામ રજૂઆત-ફરિયાદ-અહેવાલ ઉપર ઘ્યાન આપવુ જોઇએ
પાણી પુરવઠામંત્રી એ અહિ આવીને હમણા જ કહ્યુ હતુ કે પાણીની સમસ્યા ન રહેવી જોઇએ ત્યારે જિલ્લા પાણી સમિતિની મીટીંગ પહેલા તાલુકા કક્ષાની અને તે પહેલા ગ્રામ્ય કક્ષાની સમીક્ષા મીટીંગ, (રૂટીન નહી) થવી જોઇએ તે અહેવાલો ક્રમશ: ઉપર-ઉપર આવતા જવા જોઇએ,તેના બદલે માત્ર ટેન્કર ડીમાન્ડ આવી હોય તેમાંથી કોઇ જુજ માત્ર મંજુર થાય છે,તે ઉપરાંત જે ફરિયાદો, રજૂઆતો, અહેવાલો જે કોઇ સ્વરૂપે વહીવટી તંત્રને મળતા હોય તેની ઉપર ગંભીરતા દાખવવી જરૂરી છે.