દુષ્કર્મની ઘટના બાદ આ બે નિર્દોષ યુવકોનું જીવન નર્ક કેમ બન્યું ?

અનોખી ઘટના

દુષ્કર્મની ઘટના બાદ આ બે નિર્દોષ યુવકોનું જીવન નર્ક કેમ બન્યું ?

Mysamachar.in-વડોદરાઃ

રાજ્યમાં દુષ્કર્મની ઘટના બાદ લોકોમાં ભારોભાર રોષ ભભૂક્યો છે, લોકોની લાગણી પણ વ્યાજબી છે, રાજ્યમાં કૂદકેને ભૂસકે વધી રહેલી દુષ્કર્મની ઘટનાથી સવાલો ઉઠી રહ્યાં છે. થોડા સમય પહેલા જ વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી, આ દુષ્કર્મની ઘટના બાદ ડભોઇમાં રહેતા બે નિર્દોષ યુવકોનું જીવન નર્ક બની ગયું છે. આ પાછળનું કારણ છે પોલીસે આરોપીઓના જાહેર કરેલા સ્કેચ. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ બંને નિર્દોષ યુવકોનો દેખાવ પોલીસે જાહેર કરેલા આરોપીઓના સ્કેચ જેવો જ છે. આરોપીઓ જેવા દેખાવને કારણે બંને યુવાનોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ જેના કારણે બંને યુવકોની બદનામી થઇ એ અલગ પરંતુ સાથે સાથે બંને યુવકોને ધમકીભર્યા મેસેજ, ફોન આવવા લાગ્યા છે. બંને યુવકોની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ગ્રૂપમાં તસ્વીર વાયરલ કરી રેપિસ્ટનો સિમ્બોલ લગાવી દેવામાં આવ્યો. 

એટલું જ નહીં વડોદરા શહેર પોલીસ દ્વારા આ બંને યુવકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને પોલીસે બંનેને ક્લિનચીટ પણ આપી દીધી હોવાનું કહેવાય છે. તેમ છતા આ બંને યુવાનોને ધમકીભર્યા મેસેજ અને બિભત્સ અપશબ્દો બોલી લોકો ટ્રોલ કરી રહ્યાં છે. દુષ્કર્મની ઘટનાથી લોકોમાં રોષની લાગણી સહજ છે, પરંતુ માહિતીના અભાવ અને ખોટી માહિતીને કારણે ડભોઇમાં રહેતા આ બંને નિર્દોષ યુવકો ઘરની બહાર નીકળી શકતા ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને યુવકોનું કહેવું છે કે વહેલી તકે દુષ્કર્મના સાચા આરોપીઓની ધરપકડ કરવામાં આવે જેનાથી અમને રાહત મળે.