સાવધાન ! નકલી તમાકુનો મોટો જથ્થો માર્કેટમાં ફરી રહ્યો છે

7.21 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

સાવધાન ! નકલી તમાકુનો મોટો જથ્થો માર્કેટમાં ફરી રહ્યો છે

Mysamachar.in-રાજકોટઃ

સરકારની અનેક જાહેરાતો બાદ પણ ખુલ્લેઆમ તમાકુનું વેચાણ થઇ રહ્યું છે. અનેક જાગૃતિ અભિયાન ચલાવ્યા છતા લોકો વ્યસન છોડી રહ્યાં નથી. તો કેટલાક લેભાગુ તત્વો દ્વારા આ વાતનો ફાયદો ઉઠાવી મોટાપાયે નકલી ભેળસેળનો ધંધો કરી રહ્યાં છે. રાજકોટમાં કુવાડવા પાસેથી મોટાપાયે નકલી તમાકુનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં 7 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો બંધ મકાનમાં અસલીની સાથે ડુપ્લિકેટ તમાકુ ભેળવતા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કુવાડવા પોલીસ ટીમે બતામી મળી હતી કે પીપળિયા ગામે સણોસરા જવાના રસ્તા પર નવીનનગરમાં રહેતા 28 વર્ષિય અબ્દુલ સમા તથા 26 વર્ષિય સોહીલ કડીવાર નામના શખ્સો મકાનમાં તમાકુમાં ભેળસેળ કરી નાના-મોટા ડબ્બામાં પેકિંગ કરે છે. ત્યારબાદ બાદ પોલીસે દરોડા પાડતા મકાનમાંથી બાગબાન ટોબેકો કંપનીના 138 નંબરની તમાકુના  2000 ડબા નંગ જેની કિંમત 2,70,000 છે અને 2,26,800ની કિંમતના બાગબાન ટોબેકો કંપનીના 138 નંબરની તમાકુના 1680 ડબા મળી આવ્યા હતા, આ સિવાય ખાલી બોક્સ, મશીન, વજન કાંટા સહિતના મુદ્દામાલ સાથે પોલીસે કુલ 7,21,820નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ જામનગરમાં દરેડ વિસ્તારમાંથી મોટાપાયે નકલી તમાકુનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો હતો.સૌરાષ્ટ્રમાં મસાલાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે, જેમાં વપરાતા તમાકુમાં ભેળસેળ કરી મોટાપાયે વેપલો ચાલી રહ્યો હોવાનું ખુલ્યું છે.