ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, લૌકિક કાર્યમાં જતી બે મહિલાનાં મોત

આઠ વ્યક્તિ ઘાયલ

ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, લૌકિક કાર્યમાં જતી બે મહિલાનાં મોત

Mysamachar.in-રાજકોટઃ

રાજકોટમાં આવેલા કુવાડવા જીઆઇડીસી નજીક ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર બે મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગત રાત્રીએ બનેલી ઘટનામાં કુચિયાદળનો કોળી પરિવારની આઠ મહિલાઓ અને એક પ્રૌઢ રિક્ષામાં બેસી રાજકોટના નવાગામ ઢોળે લૌકિક કાર્યમાં જતા હતા, આ દરમિયાન કુવાડવા GIDC ગેઇટ નં. 1 પાસે ટ્રકે રિક્ષાને ઠોકર મારી હતી, જેમાં ચાલક કુચીયાદળના મનિષ બાવળીયા સહિત, છકડો ભાડે કરીને બેઠેલા કુચીયાદળના કોળી પરિવારના સભ્યોને ઇજા પહોંચી હતી. બાદમાં તમામને 108ની મદદથી સિલિવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં સારવાર દરમિયાન 50 વર્ષિય મંજુબેન છગનભાઇ ડાભીનું મોત નીપજ્યું હતું, જ્યારે આજે વહેલી સવારે 70 વર્ષિય જસુબેન જેરામભાઇ ડાભીનું પણ ગંભીર ઇજાને કારણે મૃત્યુ નીપજ્યું છે. મૃતક મંજુબેનને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે, જ્યારે જસુબેનને સંતાનમાં પાંચ પુત્ર અને ચાર પુત્રી છે. ત્યારે ગામમાં શોકની લાગણી પ્રવર્તી છે તો પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.