Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલ રોગચાળાની સ્થિતિએ ભરડો લીધો છે ત્યારે આ કહેર વચ્ચે ખરેખર સાચા યોદ્ધાઓ રાત દિવસ એક કરે છે અને સાવ ઘેર બેઠેલાઓ કે જેને સમાજ માટે દર્દીઓ માટે કંઇ કર્યુ જ નથી જેમકે કહેવાય કે સેવા-સફાઇ-જાગૃતિ-મુલાકાતો-સહાય સહિતના ફીલ્ડમા કંઇ કર્યુ નથી એટલે કે સળી ભાંગીને બે કટકા કર્યા નથી તેવા લોકોને “કોરોના વોરિયર” ના સર્ટીફીકેટ મળી રહ્યા છે, અથવા તેઓ મેળવી રહ્યા છે, ખરેખર સાચા વોરિયરને નવાજવા જ જોઇએ પરંતુ જેનુ સમાજ માટે કંઇ પ્રદાન નથી તેવાઓ માટે પણ સંસ્થાઓ અને સર્ટીફીકેટસ ફુટી નીકળા છે તે ટીકાપાત્ર હોવાનુ સમીક્ષકો જણાવે છે અને હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમા આ ખોટી ઘેલછાએ માજા મુકી છે,
વળી આવી કોરોના વોરિયરના સર્ટિફિકેટ આપતી સંસ્થાઓનો રાતોરાત ક્યાંકથી રાફડો ફાટયો હોઇ સોશિયલ મીડિયામાં ભારે ટીખળ થાય છે, તેમજ સર્ટિફિકેટ અપલોડ કરનારા ટ્રોલ થવા માંડ્યા છે, તો અમુકે કાઈ ના કર્યું હોવા છતાં વાહવાહી લુંટી રહ્યા છે, જે સંસ્થાઓનું કે સંગઠનનું અસ્તિત્વ ના હોય તેવી સંસ્થા અને સંગઠનો કોરોના વોરિયરના સર્ટિફિકેટ આપી રહ્યા છે. લોકો આવા બોગસ સંસ્થા સર્ટિફિકેટ લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. જે લોકોનું કોરોના સામેના યુદ્ધામાં કોઈ યોગદાન નથી તેવા કેટલાય લોકો સર્ટિફિકેટ મેળવી રહ્યા છે.બે માસથી ઘરની બહાર ન નીકળતા લોકો પણ સોશિયલ મીડિયામાં પોતાની પીઠ થાબડતા સર્ટિફિકેટ મૂકી રહ્યા છે.જે બાબત પણ શરમજનક છે,
ખરેખર તો ડોક્ટર્સ,પોલીસ,નર્સિંગ સ્ટાફ, મીડિયાકર્મી, સફાઈકર્મીઓ, ફાયર ફાઇટરના જવાનો, હોમગાર્ડઝ ક્યાક ટ્રાફિક વોર્ડન અને એન.સી.સી. કેડેટસ તેમજ અનેક સરકારી કર્મચારીઓ અને અધીકારીઓ ચેક પોસ્ટ ઉપર અને ટ્રાફીક પોઇન્ટ કે નાકાબંધી એ ફરજ પર સ્ટાફ કે પેટ્રોલીંગ વિવિધ સ્ટાફ તેમજ સેનેટાઇઝીંગ કે માસ્ક વિતરણ કરનાર કે અંતરિયાળ વિસ્તારમા કીટ વિતરણ કે ભોજન વિતરણ કરનાર શ્રમિકોને પાણી ફુડપેકેટસ આપનાર વગેરે ઉપરાંત એકંદર જીવના જોખમે કોરોના વચ્ચે કામ કરી રહ્યા છે વગેરે અનેક પ્રકારે સેવા અને ફરજ કરી રહેલા અનેક કેટેગરીના વ્યક્તિગત કે સામુહીક જુથો જે ખરેખર કોરોના વોરિયર્સ છે, તેમને બિરદાવવા યોગ્ય ગણી શકાય તેમજ તે સૌને બિરદાવવા જ જોઇએ તે સમાજ સેવા સાથે પ્રસંશનીય પણ ગણી શકાય છે, પરંતુ કેટલીક બોગસ સંસ્થાઓ ઘરમાં બેસેલાઓને પણ કોરોના વોરિયરનું જેને તેને સર્ટિફિકેટ આપી રહી છે તે કેટલુ વ્યાજબી છે? તેમ ટીકાકારોમાં થી પ્રશ્ર્નો ઉઠ્યા છે.