તળાવમાં નાહવા પડેલા ત્રણ સગા ભાઇના ડૂબી જતા મોત

પરિવાર પર આભ ફાટ્યું

તળાવમાં નાહવા પડેલા ત્રણ સગા ભાઇના ડૂબી જતા મોત

Mysamachar.in-ભાવનગરઃ

પાલિતાણાના વિરપુર ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. ત્રણેય બાળકો સગા ભાઇ હોવાનું બહાર આવ્યું હતું. તળાવમાં નાહવા પડેલા ત્રણેય ભાઇઓ ડૂબી જવાની ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મૃતદેહો બહાર કાઢ્યા હતા, બાદમાં ડેપ્યુટી ક્લેક્ટર, ઇન્ચાર્જ પીઆઇ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. વીરપુર ગામમાં રહેતા સુખાભાઇ ચૌહાણના આશરે 5થી 10 વર્ષના ત્રણ પુત્રો પૃથ્વી, ચિરાગ અને હાર્દિક નાહવા માટે તળાવમાં પડ્યા હતા. એક પછી એક ત્રણેય સગા ભાઇઓ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને પોલીસે પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યા હતા. તહેવાર ટાણે જ ત્રણ ત્રણ પુત્રોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.