પરિવારના સભ્યની જેમ શ્વાનની અંતિમવિધિ કરી યોજ્યું બેસણું !

ટોમની સારવાર ચાલી ત્યાં સુધી ડૉ. પ્રકાશ સાથે રહ્યાં

પરિવારના સભ્યની જેમ શ્વાનની અંતિમવિધિ કરી યોજ્યું બેસણું !

Mysamachar.in-સુરતઃ

જીવદયા વિશે તો તમે સાંભળ્યું જ હશે, છેલ્લા કેટલાક સમયથી લોકોમાં પ્રાણીઓ પ્રત્યે ખાસ પ્રેમ નજરે પડી રહ્યો છે, એમાં પણ પ્રાણીઓમાં સૌથી વફાદાર એવા શ્વાનને લોકો ઘરના સભ્ય બનાવી રહ્યાં છે. જો કે ભાગ્યે જ જોવા મળે છે કે કોઇ વ્યક્તિ શ્વાનની અંતિમવિધિ કોઇ પરિવારના સભ્યની જેમ કરે, આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. અહીં ગંભીર બીમારીમાં મૃત્યુ થતા શ્વાનની અંતિમવિધિ કરવામાં આવી અને ત્યારબાદ તેનું બેસણું પણ રાખવામાં આવ્યું છે.

વાત છે સુરતની, જ્યાં પુણા વિસ્તારમાં રહેતા અને ચામડીના ડોક્ટર પ્રકાશભાઇ બાબુભાઇએ પોતાના શ્વાનની અંતિમવિધિ કરી હતી. ડોક્ટરને આ શ્વાન તેના એક પેશન્ટે આપ્યો હતો. ત્યારબાદ પ્રકાશભાઇએ આ શ્વાનનું નામ ટોમ રાખ્યું હતું. પ્રકાશભાઇ અને ટોમ વચ્ચે ટૂંક સમયમાં જ લાગણીના સંબંધો બંધાઇ ગયા, જ્યારે પ્રકાશભાઇ ઘરે આવે ત્યારે એક કિમી દૂરથી ટોમને ગંધ આવી જતી અને તે કૂદવા લાગતો હતો.

આમ તો ડોક્ટર પ્રકાશભાઇને શ્વાન પ્રત્યે ખાસ લાગણી હતી, આથી જ તેઓએ પોતાના અમરેલીના થોરડીગામે પોતાના ખેતરમાં પણ સાત લેબ્રાડોર પ્રજાતીના શ્વાન પાળ્યા હતા. જો કે આ બધામાં સુરતમાં તેની સાથે રહેતા ટોમ સાથે ખાસ લાગણી બંધાઇ હતી. જો કે થોડા ક સમય પહેલા જ આ ટોમને શરીર પર ગાંઠ નીકળવા લાગી હતી. બાદમાં ડોક્ટરે મુંબઇમાં એક ખાનગી હોસ્પિટલમાં ટોમના 3 ઓપરેશન કરાવ્યા હતા. એટલું જ નહીં જ્યાં સુધી ટોમની સારવાર ચાલી ત્યાં સુધી ડોક્ટર પ્રકાશ સાથે રહ્યાં, જો કે તેમ છતા ટોમની તબિયતમાં કોઇ સુધાર આવ્યો નહીં અને તેનું મુંબઇમાં મૃત્યુ નિપજ્યું હતું. 

પરિવારના સભ્યની જેમ કરી અંતિમવિધિ

ટોમનું મૃત્યુ થતા ડૉ. પ્રકાશ ખુબ જ દુઃખી થયા, બાદમાં તેઓએ નક્કી કર્યું કે પોતાના પ્રિય ટોમની પરિવારના સભ્યની જેમ જ અંતિમવિધિ કરશે. આથી તેઓએ સંપૂર્ણ વિધિ સાથે ટોમની અંતિમવિધિ કરી એટલું જ નહીં ટોમનું બેસણું રાખ્યું. પુણાગામ ખાતે બોરડાફાર્મની બાજુમાં આવેલી પટેલ સમાજની વાડી ખાતે બેસણું રાખવામાં આવ્યું છે.