જિલ્લામાં પાણીચોરીને ડામવા કડક પગલા લેવામાં આવશે:કલેકટર

પાણી સંગ્રહ અને તળ રીચાર્જને મહત્વ...

જિલ્લામાં પાણીચોરીને ડામવા કડક પગલા લેવામાં આવશે:કલેકટર

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાની પાણી સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી.આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અંગે અને ઘાસની જરૂરીયાત અને તેના જથ્થા તેમજ ગોડાઉન અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર રવિશંકર દ્વારા પાણીનો સંગ્રહ અને જમીન રિચાર્જ બાબતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વ્યુહરચનાઓ ઘડવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી,અને દરેક વિસ્તારમાં પાણીની જરૂરીયાત, તેનો વપરાશ અને સંગ્રહ અંગેની કામગીરી તાકીદ કરવાની સુચના પણ લગત વિભાગને આપી હતી. ઉપરાંત હાલમાં જિલ્લામાં થયેલ પાણીચોરીના કેસને ધ્યાને લઈ કલેકટર દ્વારા પાણીચોરી કરનાર સામે કાર્યવાહીમાં દંડ તેમજ મિલકતમાંથી રિકવરી કરવામાં આવે તેના માટે પણ વિભાગને સુચના આપવામાં આવી હતી.

-ગ્રામ્ય વિસ્તારમા અપાતુ પાણી

જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત ૫૬ એમ.એલ.ડી.ની છે.જેમાથી હાલ નર્મદામાંથી ૫૭.૫૦ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૫.૫૦ એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર / કુવામાંથી ૧.૫૦ એમ.એલ.ડી. આમ કુલ ૬૪.૫૦ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. 

-જિલ્લાના શહેરી વિસ્તારમા ૧૨૯.૭૫ એમ.એલ.ડી.વિતરણ

જામનગર જિલ્લાના જામનગર શહેર તેમજ સિક્કા,ધ્રોલ,કાલાવડ અને જામજોધપુર એમ ચાર શહેરની કુલ જરૂરીયાત ૧૨૭.૨૦ એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદામાંથી ૭૮.૭૫ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૫૧.૦૦ એમ.એલ.ડી. આમ કુલ ૧૨૯.૭૫ એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. 

-૨૨૦ ટેન્કરના ફેરા 

જામનગર જિલ્લાના કુલ ૨૪ ગામ અને ૬૧ પરા વિસ્તારમાં ૧૦,૦૦૦ લીટરના કુલ ૨૨૦ ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. દરમ્યાન તાજેતરમાં કાલાવડ તાલુકાના અમુક વિસ્તારમાં વરસાદ થતા ૨ ગામ અને ૨ પરા વિસ્તારમાં ચાલતા ટેન્કરના ૩ ફેરા બંધ થયેલ છે.