ચોરી કરેલી કાર વેંચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ

ચોંકાવનારો ખુલાસો

ચોરી કરેલી કાર વેંચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-જૂનાગઢઃ

જૂનાગઢ મેંદરડામાંથી ચોરાયેલી કાર વેંચવાના મસમોટા કૌભાંડનો વલસાડ LCBએ પર્દાફાશ કરતાં ચકચાર મચી છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી તમામ વિગતો મેળવી હતી, જેમાં જાણવા મળ્યું કે આરોપીઓ મુંબઇ-મહારાષ્ટ્રમાંથી મોંઘીદાટ કારની ચોરી કરી ગુજરાતમાં ટોટલ લોસ થઇ ગયેલી કારના રજિસ્ટ્રેશન, ચેસીસ, એન્જીન નંબરો આપી દેતા અને ગ્રાહકોને સસ્તા ભાવે વેચી દેતા હતા. પોલીસે કુલ 49 લાખની કિંમતની 9 કાર કબજે કરી છે, તો આ ગેંગના બે શખ્સો ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ વલસાડમાં LCBની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હોન્ડા સિટી કાર લઇને નીકળેલા મૂળ જૂનાગઢનો અને સુરતમાં રહેતો ભાવેશ શેલડિયાની અટકાવી કારના કાગળ માગ્યા હતા, જો કે કાગળ ન હોવાને કારણે ભાવેશની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે આ કાર મુંબઇમાંથી ચોરાયેલી છે જેની ફરિયાદ પણ નોંધાયેલી છે. બાદમાં ભાવેશના ભાઇ સુરેશ શેલડિયા અને ભાવિન ઉર્ફ ભીખુ સાવલિયાનું નામ ખુલ્યું. આ શખ્સો જૂનાગઢમાં મેંદરડામાં ગેરેજ ચલાવતા હતા. જ્યાં તપાસ કરતાં 9 જેટલી ચોરાયેલી કાર મળી આવી હતી. આ કાર મુંબઇમાં ભાવેશનો સાગરિત તોફીક મહારાષ્ટ્રમાંથી કાર ચોરી ગુજરાત લઇ આવતો અને ભાવેશને આપતો હતો. બાદમાં ભાવેશ ગુજરાતમાં ટોટલ લોસ થયેલી કારના નંબર સહિતની વિગતો ચોરાયેલી કારમાં જોડી દેતો અને મેળામાં કે અન્ય જગ્યાએ સસ્તા ભાવે ગ્રાહકોને પધરાવી દેતો હતો. હાલ પોલીસે મુદ્દામાલ કબજે કરી તોફીક અને સુરેશને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.