જામનગર માટે રીંગરોડ અને ફલાયઓવર બંને હજુ તો હવામાં
ઇંધણ બગડે છે,પ્રદુષણ થાય છે,ત્રાસ વધે છે

Mysamachar.in-જામનગર:
જામનગરનો વ્યાપ વધતો જાય છે,વસતી વધતી જાય છે,તેમ તેમ દેખીતુ છે કે બાંધકામ અને વાહનો પણ વધતા જાય…ત્યારે જાહેર માર્ગો ઉપરની ત્રાસદાયક સ્થિતિ વચ્ચે હાલ તો જામનગર માટેનો રીંગ રોડ અને ફલાયઓવર બ્રીજ બંને પ્રોજેકટ હવામાં હોઇ તાત્કાલીક કોઇ નિરાકરણ આવતુ નથી,અને માટે જ તાકીદના કોઇ વિકલ્પ અમલમાં મુકી વાહન વ્યવહાર સુયોજીત થાય રાહદારીઓ સાનુકુળતાથી પસાર થાય તે માટે આયોજન હાથ ધરવુ જરૂરી જ નહી અતિ આવશ્યક અને અનિવાર્ય લઇ ગયુ છે.
શહેરની 132 ચો.કી.મી.નો વિસ્તાર, 16 વોર્ડ, ૪ લાખથી વધુ વાહનો, 7લાખનીવસ્તી, મુખ્ય 26 રોડ જેની 250 કિ.મી. જેટલી લંબાઇના વિસ્તાર, 800થી વધુ નાના-મોટા શોપીંગ સેન્ટરો અને હજારો દુકાનોની સ્થિતિ વચ્ચે દરરોજ માર્ગો પર ક્રાઉડ છવાય છે જે ત્રાસદાયક છે. રાજ્ય સરકારના બજેટમાં અરબન ડેવલપમેન્ટ પ્રોજેકટ (યુડીપી) હેઠળ જામનગરનો ફલાય ઓવર વિકટોરીયા પુલથી સાત રસ્તાથી આગળ સુધી 2.8 કિ.મી.નો રૂા.230 કરોડથી વધુનું આયોજન થયું હતુ તે ટૂંકાવી દેવાયો તેવી જ રીતે સરમતથી બેડી બંદર અને બેડીબંદરથી હાપા સુધી રોડ, રીંગરોડ બનાવવાની સાથે સાથે ગાંધીનગરથી રામેશ્ર્વરનગર પાછળથી નાગનાથ ગેઇટ સુધીના રોડનું આયોજન છે.
આમ રીંગ રોડ તેમજ સેમી રીંગ રોડનું આયોજન હાલ તો હવામાં જ છે,માટે શહેરમાં રાહતરૂપ બાબતના નજીકના અણસાર નથી પ્રોજેકટ બજેટમાં દર્શાવી, ડીપીઆર બનાવી, માત્ર ફાઇલો ચલાવવાથી તો સાકાર થતુ નથી અને ઠોસ કાર્યવાહી સરકારમાંથી કરાવવા કોર્પોરેશનની નેતાગીરી ઉણી ઉતરી રહી છે તેવો સવાલ પણ લોકો અને વિપક્ષમાં ચર્ચાઈ રહ્યો છે,
હાલ તુરંત ઇન્દીરા રોડ કલીન કરાવો-ફુટ ઓવર બ્રિજ બનાવો
હાલ તુરંત પણ જો તંત્રની ઇચ્છાશકિત હોય તો ગુલાબનગરથી માંડી વિકટોરીયા પુલથી ઇન્દીરા રોડ છેક સાંઢીયા પુલ સુધી તદ્દન સાફ કરાવો રોડની બંને સાઇડના દબાણ દૂર કરાવો, પાર્કિંગના અડીંગા સાફ કરાવો તો 25 % જેટલી હાલની સ્થિતિમાં રાહત થશે તેમજ શહેરના ઇન્દીરા રોડ, પીએન રોડ, બેડી રોડ, હોસ્પિટલ રોડ, સુમેર કલબ રોડ, એરોડ્રામ રોડ, પવનચક્કી રોડ, દિગ્વીજય પ્લોટ રોડ, સત્યનારાયણ મંદિર રોડ, સેન્ટ્રલ બેંક રોડ, ગાંધી રોડ, રણજીત રોડ જવા વધુ લોકોની પગપાળા અવર જવર રહે છે,ત્યાં સર્વે કરી તાત્કાલીક પરંતુ ડયુરેબલ ફુટ ઓવર બ્રિજ બનાવવા જોઇએ તે તો માપ સાઇઝ મુજબ અમુક સેમ્પલ માટે મુકવા તાત્કાલીક પણ મળી શકે છે.
ઇંધણ બગડે છે,પ્રદુષણ થાય છે,ત્રાસ વધે છે
ટ્રાફીક સમસ્યા વકરતા એક તો લોકોનો સમય બગડે છે, ઇંધણ વધુ વપરાય છે, પ્રદુષણ વધતુ જાય છે (અવાજ અને ધુમાડાનું) આ દરેક સ્થિતિના કારણે લોકોને ત્રાસ વધતા તણાવ વધે છે જેથી ઝઘડા ઘર્ષણ, આક્રોશ, નિયમ ભંગ કરવાની નિતિ વગેરે વધવા લાગે છે.