વિદ્યાર્થીઓ પર કરાયેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો !

વાલીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર

વિદ્યાર્થીઓ પર કરાયેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો !
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

આજના હરિફાઇના જમાનામાં વાલીઓ પોતાના બાળકોને ભણાવવા અનેક સંઘર્ષો કરે છે, જો કે આ હરિફાઇમાં વાલીઓ ભૂલી જતા હોય છે કે બાળકો શિક્ષણની સાથે પ્રેમ અને હુંફની પણ એટલી જ જરૂર હોય છે. શિક્ષણના ભારણને કારણે ઘણા બાળકો માનસિક રીતે પડી ભાંગતા હોય છે. રૂરલ ડેલપલમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (રૂડમી) દ્વારા બાળકોની માનસિક સ્વાસ્થ્ય માટે અમદાવાદની આઠ જેટલી જાણીતી સ્કૂલોના 1400 વિદ્યાર્થીઓ પર સરવે કર્યો છે. આ સરવેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જો કે સરવેમાં થયેલા ચોંકાવનારા ખુલાસાથી સમાજ માટે વિચાર કરવાની જરૂર ઉભી કરી છે.

સરવે દરમિયાન 34 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓને તણાવ, ચિંતા, હતાશાને કારણે આપઘાત કરવા સુધીના વિચાર આવે છે. સરવે દરમિયાન રૂડમીના કાઉન્સિલરોએ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. તેમના મતે, તેઓ અભ્યાસ કરતાં ઘણીવાર રિલેશનના કારણે વધારે સ્ટ્રેસમાં હોય છે. જ્યારે કે તેમની ઉંમર અભ્યાસનો ધ્યેય નક્કી કરવાની છે. ભણતરના ભારણથી બાળકોને વાલીઓ તરફથી ઓછો સમય આપવામાં આવે છે, જેના કારણે તે એકલું પડી જાય છે અને તેને જોઇએ તેટલો પ્રેમ મળતો નથી. 

સરવેના અધિકારીઓ સાથે વાતચીતમાં એક વિદ્યાર્થીની આશ્ચર્યજનક ખુલાસાઓ કર્યા હતા, જેમાં તેણીએ જણાવ્યું કે મારી સાથે અભ્યાસ કરતા મારા ખાસ મિત્રે મારી સાથે વાત બંધ કરી દીધી હતી. જેથી હું સ્ટ્રેસમાં આવી ગઇ અને મેં મારી રિંગ ફિંગર કાપી નાખી, હું મારી વાત કોઇની સાથે શેર ન કરી શકી તેના કારણે હું મુંઝાઇ ગઇ હતી. ઉપરાંત એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે મારી નાની નાની બાબતોમાં મારા પેરેન્ટ્સ દખલગીરી કરે છે. જે મને જરા પણ પસંદ નથી. તેમની દખલગીરીને કારણે ઘણીવાર તેમની સાથે મારો ઝઘડો થાય છે. રૂડમી સંસ્થાએ જણાવ્યું કે અમે છેલ્લા 4 વર્ષ બાળકોના અભ્યાસ અને તેમની માનસીક સ્થિતી પર કામ કરીએ છીએ. બાળકોની માનસિક સ્થિતી જાણવા માટે અમે જાણીતી 8 સ્કૂલોનો સમાવેશ કર્યો છે. અમે સ્કૂલમાં એક બોક્સ મુક્યું હતું. જેમાં બાળકોને પોતાના પ્રશ્નો અને સમસ્યા જણાવવા કહ્યું હતું. અમને 1400 વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો મોકલ્યા હતા.જેમાંથી મુખ્ય પ્રશ્નોના જવાબને આધારે ટકાવારી પ્રમાણે માહિતી જાહેર કરી હતી.