મગફળીકાંડ ને લઈને નાફેડ પર ફટકાબાજી કરતાં ફળદુ 

મગફળી મામલે સરકારને વારંવાર કરવી પડી રહી છે સ્પષ્ટતા..

મગફળીકાંડ ને લઈને નાફેડ પર ફટકાબાજી કરતાં ફળદુ 

mysamachar.in-ગાંધીનગર 

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે નાફેડ અને ગુજકોટ મારફત મગફળી ખરીદવાનો નિર્ણય કર્યા બાદ રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડ, તેમજ સહકારી મંડળીઓ દ્વારા, સોસાયટી મારફત મોટાપાયે મગફળી ખરીદવામાં આવી અને આ મગફળી ત્યારબાદ નાફેડ અને ગુજકોટના ગોડાઉન રાખવામાં આવ્યા બાદ જયારે વેપારીઓ, તેલ મિલરો આ મગફળી ખરીદવા ગયા ત્યારે ખબર પડી કે, મગફળીમાં ધૂળના ઢેફાં અને નબળી ગુણવત્તાનો માલ છે આવી રીતે મગફળી કૌભાંડોનો સમગ્ર  મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારની ઊંઘ  હરામ થઈ ગઈ અને કોંગ્રસને મુદ્દો મળી જવા પામ્યો છે,

ગુજરાતમાં મગફળી ના મુદે સરકારને ઢંઢોળવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ  સરકાર ઉપર  ગંભીર આક્ષેપોનો મારો શરૂ કરતા છાસવારે કૃષિમંત્રી આર.સી. ફળદુ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વગેરેને ખુલાસા આપવા મીડિયા સામે આવવું પડે છે ત્યારે ફરી એક વખત આજે રાજ્યના કૃષિમંત્રી ઉપર વ્યક્તિગત  આરોપ લાગ્યા બાદ ગઈકાલે રાજકોટ ખાતે મીડિયા સામે આવવું પડ્યું અને આજે ગાંધીનગર ખાતે ફરીથી નિવેદન આપીને મગફળી મામલે નાફેડ ઉપર દોષનો ટોપલો ઢોળીને  નિવેદનબાજી કરવામાં આવતા  મગફળી મામલે સરકાર જ  તેલમાં ઘી હોમી રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે,
રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુએ આજે ફરી નિવેદનબાજી કરતાં મગફળી મામલે કહ્યું કે  ગુજરાતમાં મગફળી ખરીદી દરમ્યાન  નાફેડની પણ જવાબદારી ફિક્સ થતી હોય આ અંગે કેન્દ્રના  કૃષિમંત્રીનું  ધ્યાન દોરીને રજુઆત કરાઈ છે,અને નાફેડ ઉપર આકરા પ્રહારો કરતા આર.સી. ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખરીદી કેન્દ્રો પર માલની સલામતી માટે  જરાય ચિંતા કરવામાં આવી નથી, ખરીદી કેન્દ્રો પર જાણકાર માણસોના સ્ટાફનો પણ સદંતર અભાવ હતો આવી તો ઘણી બાબતોમાં ભંયકર  બેદરકારી નાફેડ દ્વારા દાખવાઈ  હોવાનું ફળદુ  એ તેમના નિવેદનમાં સ્પષ્ટ કર્યું,

ત્યારે હવે આ મામલે સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે દિવસે ને દિવસે રાજ્યમાં ચગી રહેલ મગફળીકાંડનો મામલમાં શું હવે દોષારોપણ નાફેડ તરફ થવા જઈ રહ્યું છે...???  તે મુદો પણ જાણકારોમાં ચર્ચાઈ રહ્યો છે,હાલ  રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ મગફળી કૌભાંડમાં આવનાર દિવસોમાં કેવા વણાંકો  આવશે તેના  પર પણ સૌની મીટ મંડાયેલ છે.