જી.જી.હોસ્પિટલ ખાતે થેલેસેમીયા પીડીત બાળકોની જાત મુલાકાત લઇ મંત્રી હકુભા જાડેજાએ ઉત્કૃષ્ટ સારવાર ઉપલબ્ધ કરાવવા નેમ વ્યકત કરી

Mysamachar.in-જામનગર:
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિનની જામનગર ખાતે અનેરી ઉજવણીના ભાગરૂપે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાના પદાધીકારીઓ દ્વારા શહેરની જી.જી.હોસ્પિટલના થેલેસેમીયા વોર્ડની મુલાકાત લીધી હતી,મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ થેલેસેમીયા પીડીત બાળકોની મુલાકાત દરમ્યાન બાળકોને ગીફટનું વિતરણ કરતાં ઉપસ્થિત જી.જી.હોસ્પિટલના તબીબોને થેલેસેમીયાગ્રસ્ત બાળકોને વધુ સારી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે જરૂરી સુચનો કર્યા હતા. ત્યારબાદ તબીબો સાથે થેલેસેમીયા રોગની જીણવટભરી માહિતી મેળવી હાલમાં વોર્ડમાં રહેલ થેલેસેમીયા પીડીત બાળકો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.
હાલમાં જામનગર જિલ્લામાં અંદાજે ૩૭૫ જેટલા થેલેસેમીયા પીડીત બાળકો સારવાર હેઠળ છે. તેઓને દર વર્ષે અંદાજે ૬૫૦૦ લોહીની બોટલની જરૂરીયાત રહેતી હોય જેથી વધુ ને વધુ પ્રમાણમાં નાગરિકોએ રક્ત દાન કરી થેલેસેમીયાની લડતમાં સહભાગી થવા રાજયમંત્રી જાડેજાએ અપીલ કરી હતી.જામનગરમાં હાલ થેલેસેમીયા પીડીત બાળકોના વાલીઓની એક સોસાયટી શરૂ છે જેનું નામ “જામનગર થેલેસેમીક સોસાયટી” છે. જેના પ્રેસીડેન્ટ નરેશભાઇ ગાંધીએ મંત્રીને થેલેસેમીયાગ્રસ્ત બાળકોની સારવાર અંગે સંતોષ વ્યકત કરી તેઓને પડતી વિશેષ જરૂરીયાતની જાણકારી આપેલ હતી..અને મંત્રીએ પણ સરકાર ના આરોગ્યવિભાગ પાસેથી થેલેસેમિયા વોર્ડ અને હોસ્પિટલને જરૂરી સુવિધાઓ માટે તમામ બાબતે સરકાર હકારાત્મક હોવાનું જણાવ્યું હતું.