જામનગરવાસીઓને સ્વદેશી બનાવટની વસ્તુઓનો વપરાશ કરવાની અપીલ કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

નવરાત્રી હસ્તકલા મેળાનો પ્રારંભ 

જામનગરવાસીઓને સ્વદેશી બનાવટની વસ્તુઓનો વપરાશ કરવાની અપીલ કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નવરાત્રી હસ્તકલા મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જામનગર ખાતે ૧૦ દિવસ સુધી એટલે કે આજરોજથી ૨૮ સપ્ટેમ્બર સુધી બપોરે ૧ થી રાત્રીના ૯ કલાક સુધી પ્રદર્શન મેદાન પર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નવરાત્રી હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યક્તિગત કારીગરો/ હસ્તકલા-હાથશાળ મંડળીઓ/ સ્વૈચ્છિક સંસ્થાઓ/ સ્વસહાય જૂથો/ સખીમંડળો અને ક્લસ્ટર્સના કારીગરોને સીધું બજાર પુરૂ પાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

૧૨૦થી વધુ કારીગરો દ્વારા ભાતીગળ-હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરતકામ, વાંસના રમકડા, ચર્મ કામ, પેચ વર્ક, ઇમિટેશન જ્વેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહ ઉદ્યોગ, ચણિયાચોળી, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફ્લાવરપોટ, માટીના ઘરેણા,ગૃહ સુશોભનની વસ્તુઓ વિગેરે ચીજવસ્તુઓને કારીગરો પાસેથી નિહાળી અને સીધી ખરીદી કરી શકાશે. આ મેળામાં જામનગર, સુરત, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, આણંદ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, બોટાદ અને ખેડા જિલ્લાના કારીગરો, વિવિધ રાજ્યોના જેવા કે રાજસ્થાન, છત્તીસગઢના કારીગરો દ્વારા પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યુ છે.

આ પ્રસંગે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્વદેશી બનાવટો અને હાથ બનાવટોના ઉપયોગ પર ભાર મૂકી  જણાવ્યું હતું કે, લોકોએ મહત્તમ સ્વદેશી બનાવટનો ઉપયોગ કરવો જોઈએ અને આપણી દેશની આર્થિક અને વિકાસની એક કડીરૂપ ગૃહ ઉદ્યોગ, હસ્તકલાઓ અને લોકકલાઓને જીવંત રાખવાના પ્રયાસમાં યોગદાન આપવું જોઇએ. આ સાથે જ મંત્રીએ જામનગરવાસીઓ પણ વધુમાં વધુ દેશી બનાવટનો ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, અને જામનગરની જનતા ઉપસ્થિત રહ્યા હતા.