પશુપાલન થકી માસિક આશરે ૨.૫૦ લાખની આવક મેળવતું દરેડનું દંપતી

બે ગાયથી કરી હતી શરૂઆત આજે

પશુપાલન થકી માસિક આશરે ૨.૫૦ લાખની આવક મેળવતું દરેડનું દંપતી

Mysamachar.in-જામનગર:

શાસ્ત્રોમાં ગાયની મહત્તા અતિ જોવા મળી છે. પુરાણોક્ત સમયમાં ગાયને ધનરૂપી કહી ગૌવંશીઓના ટોળાંને ગૌધન કહેવાતું. જે આજે અપભ્રંશ થતા ગૌધણ શબ્દ બની ગયો છે. ગાયને માતા દરજ્જે વર્ષોથી પૂજાય છે, પરંતુ ગાય દ્વારા ઉત્પન્ન થતી દરેક વસ્તુ ઔષધીય રૂપે પણ અતિ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે ગાયને પાળનારા ખેડૂતો તેની ઔષધિય અસરથી અજાણ હોય છે. પરંતુ જામનગરના દરેડ વિસ્તારનું ચાંગાણી દંપતી આ માન્યતાને ભંગ કરતું તદ્દન અનોખું દંપતી છે. માત્ર બે ગાયથી પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરનારા દંપતી પાસે આજે નાના મોટા ૧૦૦ ગૌવંશ છે. આત્માની તાલીમ થકી પશુપાલનની પ્રવૃત્તિને સંપૂર્ણ વ્યવસાયમાં પલટાવનારા જીજ્ઞેશભાઈ અને રીનાબેન ચાંગાણીએ ગૌસેવાનું વ્રત તરીકે વિચારી આજે સો ગૌવંશીઓની “ઉપાસના ગૌશાળા”ની હેઠળ તેની સેવા અને સાથે જ ઔષધીય રૂપે પણ વ્યવસાયમાં કાર્યરત છે.


બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા જીજ્ઞેશભાઈ ચાંગાણીએ પિતાની ગૌસેવાની ઇચ્છાથી દરેડ ખાતે ગૌશાળાનો પ્રારંભ કર્યો હતો, પરંતુ કોઇ પ્રકારની તાલીમ ન હોવાથી આ સેવા અને વ્યવસાય બંને સાથે થઈ શકતા ન હતા. આ સમયે આત્મા પ્રોજેક્ટ થકી તાલીમ મેળવી જીજ્ઞેશભાઈ અને તેમના પત્ની રીનાબહેનએ બે ગાયો લઇ ગૌશાળાની શરૂઆત કરી અને આજે બે ગાયોથી તેઓ ૧૦૦ નાના મોટા ગૌવંશના માલિક બન્યા છે. જીજ્ઞેશભાઈએ આજે બ્રાસપાર્ટના કારખાનાના વ્યવસાયને સંપૂર્ણ ત્યજી દીધો છે અને હવે ગૌશાળાને જ વ્યવસાયરૂપ અને સેવારૂપ બનાવી જીવનમાં વણી લીધું છે.

સમયાંતરે મળતી આત્માની તાલીમ, કૃષિ કેન્દ્રના ડો. બારૈયાના માર્ગદર્શનથી ચાંગાણી દંપતી આજે ગાયના દૂધ અને ઘી ના વ્યવસાય સિવાય ગાય આધારિત જૈવિક ખેતી પણ કરે છે. તેમજ ગૌમૂત્રના અર્ક, પંચગવ્ય ઘી,  રેડીયેશનનો નાશ કરતી ગાયના છાણમાંથી બનતી ચીટકી પણ તેઓ બનાવે છે. ગાય દ્વારા આપવામાં આવતી દરેક વસ્તુનો ઔષધિય ઉપયોગ કરે છે અને અન્ય લોકોને પણ તેના થકી આયુર્વેદીય ચિકિત્સામાં પોતાની વસ્તુઓના ઉપયોગ થકી મદદ કરે છે.

આ સેવા વ્રતમાં જીગ્નેશભાઈના નાના ભાઈ જે આયુર્વેદ ડૉક્ટર હોવાથી આયુર્વેદની પંચગવ્ય પદ્ધતિના ઉપયોગ થકી અનેક લોકોના રોગોને મટાડવા માટે આ દંપતીને મદદરૂપ બને છે. આ પશુપાલન વ્યવસાય થકી ચાંગાણી દંપતી માસિક આશરે રૂપિયા ૨.૫૦ લાખની આવક મેળવે છે, આત્માની તાલીમ થકી આત્મનિર્ભર બન્યા બાદ રીનાબેન કહે છે કે, મારા સસરાનું ગૌસેવાનું સ્વપ્ન હતું, જેને સાકાર કરવા અમને આત્માનો સહકાર મળ્યો તે માટે હું આત્માની આભારી છું. સાથે જ સ્ત્રીઓને સતત આત્મનિર્ભર બનાવવા માટે જામનગર કૃષિ કેન્દ્રના ડોક્ટર બારૈયા ખૂબ જ સહકાર આપે છે તે માટે તેમના દ્વારા મળતાં માર્ગદર્શનની પણ હૃદયપૂર્વક આભારી છું. સરકાર દ્વારા ચાલતા આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ થકી અમારા જેવા અનેક લોકોને મદદ અને સહકાર મળતો રહે છે.