યુવકને પિત્ઝા પડ્યો 60 હજારમાં !

લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો !

યુવકને પિત્ઝા પડ્યો 60 હજારમાં !

Mysamachar.in-અમદાવાદઃ

આધુનિક યુગમાં બધુ ઓનલાઇન બનતુ જાય છે, ઇન્ટરનેટના ઉપયોગથી તમે જીવનજરૂરિયાની તમામ વસ્તુઓ ઘરબેઠા મેળવી શકો છો, જેમ કે તમે ગમે ત્યારે ઘરબેઠા જમવાનું મગાવી શકો છો. ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી અનેક કંપનીઓ સક્રિય છે. જો કે ઓનલાઇનના ઉપયોગથી જેટલો ફાયદો થઇ રહ્યો છે, તેટલી જ નુકશાની પણ છે. ઘણા લેભાગુ તત્વો આ વાતનો ફાયદો ઉઠાવી છેતરપીંડિ કરી રહ્યાં છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, એક યુવકે ઓનલાઇન ફૂડ ચેઇન ઝોમેટોમાંથી પિત્ઝા મગાવ્યા હતા. જો કે ખરાબ પિત્ઝા હોવાથી તેણે કંપનીમાં ફોન કર્યો હતો, જો કે કંપની તરફથી કોઇ રિપ્લાય ન મળ્યો પરંતુ અજાણ્યા નંબર પરથી ગઠિયાએ ફોન કરી રિફંડ આપવાનું કરી 60 હજાર ઉપાડી લીધા હતા.

સૌપ્રથમ યુવકે ઝોમેટો એપ્લિકેશનમાંથી પિત્ઝા મંગાવ્યા હતા, ઝોમેટોના ડિલિવરી બોયે પિત્ઝા ડિલિવર કર્યા, જ્યારે યુવકે બોક્સ ખોલ્યું તો પિત્ઝા ખાવા લાયક ન હતા, બાદમાં યુવકે ઝોમેટો કંપનીમાં ફોન કરી ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કંપનીમાં કોઇએ તેની ફરિયાદ સાંભળી નહીં, અચાનક યુવકને એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો, જેમે સામેથી વ્યક્તિએ કહ્યું કે હું ઝોમેટોમાંથી બોલું છું, યુવકને થયું કે કંપનીનો જ કોઇ વ્યક્તિ બોલે છે આથી તેને રિફંડ આપવાની વાત કરી, બાદમાં ફોન કરનાર શખ્સે યુવકને વાતોમાં ભોળવી રિફંડ માટે એક લિંક મોકલું છું જેમાં તમામ વિગત ભરવાનું કહ્યું. યુવકે બેંક ડિટેઇલ સહિતની તમામ વિગતો ભરી દીધી. જો ડિટેઇલ ભરતાની સાથે જ યુવકના એકાઉન્ટ્સમાંથી થોડી જ વારમાં 60 હજાર રૂપિયા ઉપડી ગયા.

અમદાવાદની ભાગોળે આવેલા થલતેજના સુરધારા બંગલોઝમાં રહેતા અને સાણંદમાં રેસ્ટોરન્ટ ધરાવતા ઋષભ શાહે 6 દિવસ પહેલા ઝોમેટોમાંથી બે પિત્ઝા મંગાવ્યા હતાં જો કે ખરાબ આવતા તેઓએ ઝોમેટો હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. અજાણ્યા વ્યક્તિએ ઝોમેટોમાંથી બોલું છું કહી ફોન કર્યો હતો. ઋષભે હેલ્પલાઇનમાંથી બોલતા હોવાનું માની રિફંડ માંગતા એક લિંક મોકલી આપું છું એમાં વિગત ભરી મેસેજ કરો એમ કહેતા ઋષભે વિગત મેસેજ કરી હતી. વિગત ભર્યાને તુરંત જ તેના એકાઉન્ટમાંથી પાંચ હજાર ઉપડી ગયા. બાદમાં બે દિવસ પહેલા અજાણી વ્યક્તિએ ફોન કરી અને પૈસા ડેબિટ થઈ ગયા છે તો એક મેસેજ મોકલું એ ત્રણ વખત મને મોકલો તેમ કહ્યું હતું. ત્રણ વખત મેસેજ મોકલતા ઋષભના એકાઉન્ટ્સમાંથી 6 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા 60,885 ઉપડી ગયા હતા. ફ્રોડ થયાનું જાણવા મળતાં જ ઋષભે વસ્ત્રાપુર પોલીસને સમગ્ર બાબતે જાણ કરી, પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી બાજુ ઓનલાઇન વસ્તુ મગાવતા લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સાથી શહેરમાં ભારે ચર્ચા જાગી છે.