પોલીસ ટીમ 'પાતાળ'માંથી આરોપીને શોધી લાવી !

દુર્ગમ વિસ્તારમાં વેશપલટો કર્યો

પોલીસ ટીમ 'પાતાળ'માંથી આરોપીને શોધી લાવી !

Mysamachar.in-રાજકોટઃ

અવાર નવાર ગુનાહિત પ્રવૃતિને કારણે પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉઠતા હોય છે. તો પોલીસ પકડથી દૂર રહેવા આરોપીઓ દરેક પ્રકારના પ્રયાસો કરી લેતા હોય છે, જેમાં ઘણીવાર સફળ થાય છે તો ઘણીવાર નિષ્ફળ પણ રહે છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ગુનો આચરી આરોપીઓ ફરી પોતાના વતન ફરાર થઇ જતા હોય છે, એવામાં સ્થાનિક પોલીસ માટે આરોપીને પકડવાની કામગીરી માથાના દુખાવા સમાન બની જતી હોય છે. જો કે રાજકોટ તાલુકા પોલીસ જવાનોએ પાતાળમાંથી પણ શોધી લાવવાની કહેવતને સાચી ઠેરવી છે. થોડા સમય પહેલા જ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાનું પરપ્રાંતીય યુવક દ્વારા અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ બાદ તપાસ કરતાં મૂળ ઓરિસ્સાના રહેવાસી ગુલશન ગલીયાત બલયારસીંગનું નામ ખુલ્યું હતું. પોલીસે ગુલશનની શોધખોળ માટે અનેક પ્રયાસ કર્યા પરંતુ તે હાથ લાગ્યો ન હતો. અંતે પોલીસને બાતમી મળી કે ગુલશન ઓરિસ્સામાં બંદુગીયા નામના નક્સલી વિસ્તારમાં છૂપાઇને બેઠો છે. ત્યારબાદ રાજકોટ પોલીસની એક ટીમ ગુલશનને પકડવા માટે ઓરિસ્સા રવાના થઇ. જો કે  બંદુગીયા નક્સલી પ્રભાવિત અને જંગલ વિસ્તાર હોવાને કારણે પોલીસે પહેલા વેશપલ્ટો કર્યો, ત્યારબાદ દુર્ગમ વિસ્તારમાંથી ગુલશનને શોધી કાઢ્યો. રાજકોટ પોલીસની ટીમ આરોપીને પકડીને રાજકોટ લઇ આવી છે અહીં તેની સામે આરોપો અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.