Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારના બંને જિલ્લા જામનગર અને દ્વારકામા મોટા ભાગે થાંભલા ઉપર ચડી ને કે લાઇનોના કામ કે ટ્રાન્સફોર્મરોના કામ કરતા લાઇનમેન સહિત ટેકનીકલ સબ સ્ટાફ તમામ સેફટી ગાર્ડઝ પહેર્યા વગર કામ કરતા જોવા મળે છે, તેમ નજરે જોનારા જાણકારો કહે છે અને આવા વખતે ઇજનેરો જે આ કામ દેખરેખ કરતા હોય છેતે હાજર હોય ( દર વખતે તો હોતા ય નથી) તે તો બેદરકારીથી ફોનમા રચ્યા પચ્યા હોય છે, જેના કારણે હાલારમા આવા કામ કરનાર અમુકના જીવ ગયાના ઇજા થયાના બનાવો રેકર્ડ ઉપર છે, ત્યારે વીજલાઇનના જોખમી કામ માટે ઉપયોગમા લેવાતા સેફટી ગાર્ડ અને વેર ઉપરથી પુરા પડાય છે તે ક્યા પગ કરી જાય છે? ક્યાક વેચાય તો નથી જતા ને તેવા સવાલ ઉઠે છે,
ઘણી વખત જોવા મળતી બેદરકારીમા જેટકો પણ પીજીવીસીએલથી પાછળ નથી તેની વધુ ગંભીરતાથી નોંધ લેવી ઘટે છે, બીજો સ્ફોટક મુદો એ પણ ઉછળ્યો છે કે પીજીવીસીએલએ લાઈન સ્ટાફને આપેલા સેફ્ટીના સાધનો હલકી ગુણવત્તાના હોવાનુ ચર્ચાય છે, અને સમગ્ર પીજીવીસીએલ-રાજકોટ કોર્પોરેટ કચેરીના તાબા હેઠળ આ ગેરરીતીના પગલે છેલ્લા 15 વર્ષમાં 107 આશાસ્પદ અને તેમના પરિવારોના મોભી સમાન કર્મચારીઓની મહામુલી જિંદગી હોમાઇ છે,
પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીમાં કે સર્કલ કચેરીમાં બેઠા બેઠા આદેશ આપતા અધિકારીઓને જાણે નીચેના વર્ગના કર્મચારીઓની જિંદગીની કોઈ કિંમત જ ન હોય તેમ હલકી ગુણવત્તાના સેફ્ટીના સાધનો લાઈન સ્ટાફને આપીને વીજપોલ અને હેવી લાઈન ઉપર કામ કરાવી વીજ ફરિયાદો નિવારવા તેમની જિંદગી દાવ પર લગાવાય છે. જે અંગે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળે જણાવ્યુ છે કે પીજીવીસીએલના રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ટેક્નિકલ કર્મચારીઓને સેફ્ટી ગ્લોઝ, સેફ્ટી શૂઝ, હેલ્મેટ, યુનિફોર્મ, ડીઓ રોડ, અર્થ રોડ, સેફ્ટી બેલ્ટ, પકડ-ડિસમિસ-ટેસ્ટર સહિતની વસ્તુઓ આઈએસઆઈ માર્કા વિનાની, હલકી ગુણવત્તાની અને ડુપ્લિકેટ ધાબડી દેવામાં આવી રહી છે જેના કારણે આ ડુપ્લિકેટ વસ્તુઓ પહેરીને વીજકર્મી પોલ કે હેવી લાઈન પર કામ કરતો હોય છે ત્યારે તે વીજ અકસ્માતનો ભોગ બને છે