કારાવાસમા ઝળહળી ઉઠ્યો પ્રકાશ

સેનિટાઇઝેશન, ક્વોરંટાઇન બેરેક, આઇસોલેશન બેરેક, રેગ્યુલર મેડિકલ સ્ક્રીનિંગ,

કારાવાસમા ઝળહળી ઉઠ્યો પ્રકાશ

Mysamachar.in-જામનગર
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસના કહેરથી થરથરી રહ્યું છે ત્યારે ભારત કોરોના વાયરસનો હિમ્મતભેર સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન દ્વારા કરાયેલા એકતાના આહવાન અને દેશભરમાં કાર્યરત લોકસેવકો પ્રત્યે પરસ્પરાવલંબનની ભાવનાના પ્રતિક સ્વરૂપે સમગ્ર ભારતમાં દીપ, મીણબત્તી, ટોર્ચ વગેરે પ્રગટાવી પ્રતિસાદ આપવામાં આવ્યો. જામનગર જિલ્લા જેલ પ્રશાસન અને બંદીવાનો દ્વારા પણ અધિક્ષક નાસિરુદ્દીન એસ.એલ.ની આગેવાની હેઠળ તા.૦૫/૦૪/૨૦ના રોજ ૯ વાગ્યે મીણબત્તીઓ પ્રગટાવી કોરોના સામે લડત આપી રહેલા અને દેશસેવામાં લડત આપી રહેલાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવી હતી. આ સમયે અધિક્ષક દ્વારા બંદીવાન ભાઇઓની લાગણી અને તેમના દ્વારા અપાઇ રહેલ સહકારની તથા સ્ટાફની કામગીરીને વખાણી સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલો અને જેલો એ માનવ-મેદની ધરાવતા એવા સંસ્થાનો છે જેમને બંદ કરી શકાય નહિ ત્યારે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુઓમોટો રીટ પિટિશન અંતર્ગત રચાયેલી હાઇ પાવર કમિટી દ્વારા સાત વર્ષથી ઓછી સજાના પ્રાવધાન ધરાવતા ગુનાહ હેઠ્ળ રહેલા કાચા કામના અને તમામ પાકા કામના કેદીઓને વચગાળાના શરતી જામીન તથા પેરોલ/ફર્લો પર મુકવાના આદેશો થયા અને જામનગર જેલ ખાતેથી અત્યાર સુધી આવા કુલ ૫૫ કેદીઓ ને મુક્ત કરાયા છે અને હજુ આશરે ૩૦ જેટલા કેદીઓને મુક્ત કરાય તેવી શક્યતાઓ છે. જેલોમાં ગીચતા ઘટાડવાના આશય સાથે કરવામાં આવેલ આ કામગીરીમાં બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળતાં જામનગર જેલ આ કાર્યવાહી પૂર્ણ કરનારી ગુજરાતની પ્રથમ જેલ હતી.

કોરોનાની મહામારીને ધ્યાને લઈ ગુજરાત જેલ વિભાગ અને જામનગર જિલ્લા જેલ દ્વારા વિવિધ સરાહનીય પગલાઓ લેવામાં આવેલ છે. સેનિટાઇઝેશન, ક્વોરંટાઇન બેરેક, આઇસોલેશન બેરેક, રેગ્યુલર મેડિકલ સ્ક્રીનિંગ, મુલાકાત અને ટિફિન સેવાઓ પર પાબંદી વગેરે જેવા પગલા ભરવામાં આવેલ છે. આમ, જિલ્લા જેલ જામનગરએ ગુજરાતના સૌથી યુવા જિલ્લા જેલ અધિક્ષકની આગેવાનીમાં પોતાના “સેઇફ, કરેક્શનલ એન્ડ સેલિબ્રેશનલ” સ્ટેટસને જાળવી, એસ.ઓ.પી.નો ચુસ્તપણે અમલ કરી આત્મવિશ્વાસ પૂર્વક કોરોનાને લડત આપી રહી છે