દારૂની પરમિટ જોઇતી હોય તો શું છે પ્રોસેસ ?

પાંચ વર્ષમાં 17514 પીવાની પરવાનગી મળી

દારૂની પરમિટ જોઇતી હોય તો શું છે પ્રોસેસ ?
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

રાજ્યમાં દારૂબંધી છે એતો જગજાહેર છે, પરંતુ કેટલાક સંજોગોમાં ખાસ કરીને હેલ્થના કારણોસર દારૂ પીવાની ખૂદ સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવે છે, હાલમાં જ વિધાનસભામાં રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 17,514 લોકોને દારૂ પીવાની પરમિટ આપી હોવાનું સ્વીકાર્યું છે. એટલે કે દરરોજના 10 લોકોને ખુદ સરકાર દારૂ પીવાની મંજૂરી આપે છે. જામનગર અને દ્વારકામાં ત્રણ મહિલાઓ સહિત 1300 લોકો પાસે દારૂની પરમિટ છે. આ મંજૂરી આપવા પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું કે દર વર્ષે સરેરાશ 3500થી વધુ લોકોનું આરોગ્ય એટલું કથળે છે કે તેના માટે દારૂ પીવો જરૂરી બની જાય છે.

અગાઉ ભલામણ અને નિયમોમાં છૂટછાટને કારણે દારૂની પરમિટ વધુ ઇશ્યું થતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દારૂની પરમિટ આપવાના નિયમોમાં ફેરફાર કરી કડક બનાવવામાં આવ્યા છે. આરોગ્યના કારણોસર સરકાર ચરસ અને પોશડોડાના સેવનની પણ પરમિટ આપવામાં આવે છે. જો કે, દારૂ સિવાયની કોઇ પરમિટ માટે અરજી સરકારને મળી ન હતી. રાજ્ય સરકારે વિદેશી દારૂનું વેચાણ કરવા માટે 15 જિલ્લામાં 66 જેટલી હોટેલ્સ અને લીકર શોપને લાઈસન્સ આપ્યા છે. જેના મારફતે પાંચ વર્ષમાં 3.05 કરોડ લિટર દારૂ અને બિયરનું વેચાણ કરવામાં આવ્યું હતું.

દારૂની પરમિટ જોઇતી હોય તો શું છે પ્રોસેસ ?

દારૂ પીવાની પરમિટ જોઇતી હોય તો ઓછામાં ઓછી 40 વર્ષની વય હોવી ફરજિયાત છે, આ સિવાય મહિને 4,000ની આવક હોવી જોઇએ. આ સિવાય અરજદારે નશાબંધી પોલીસ કચેરીમાં પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, રહેઠાણ તથા ઉંમરના પૂરાવા સાથે જરૂરી ફી ભવાની રહેશે, ત્યારબાદ આરોગ્ય ચકાસણીની ફી ભરી અરજી કરવાની હોય છે, આરોગ્ય ચકાસણી કર્યા બાદ જો અધિકારીઓને યોગ્ય લાગે તો જ પરમિટ આપવામાં આવે છે. 

મહિને કેટલો દારૂ મળે ? 

જો તમારી પાસે પરમિટ આવી જાય પછી તમે સરકારે મંજૂરી આપેલી વાઇન શોપમાંથી દારૂ ખરીદી શકો છે, જ્યાં તમને પરમિટના આધારે એટલે કે જો તમારી ઉંમર 40થી 50 વર્ષ હોય તો તમને 3 યુનિટનો દારૂ મળશે, 50થી 65 વર્ષ સુધીની હોય તો 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વયના લોકોને 5 યુનિટનો દારૂનો જથ્થો મળશે. તમને જણાવી દઇએ કે એક યુનિટમાં 1 બોટલ દારૂ અથવા 10 બોટલ બીયરનો જથ્થો મળે. એટલે જે એક યુનિટમાં દારૂ અથવા બીયર બંનેમાંથી કોઇ એક વસ્તુ મળશે. તો એક મહિને જો તમે દારૂ ન ખરીદો તો બીજા મહિને ડબલ દારૂ મળે એવું નથી હોતું. દર મહિને નક્કી કરાયેલા યુનિટ પ્રમાણે જ દારૂ આપવામાં આવે છે.