ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની જામનગર કોર્ટે અરજી ફગાવી
જાણો શું છે મામલો

Mysamachar.in-જામનગરઃ
હિન્દી ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીના વળતા પાણી શરૂ થયા છે. જેમાં તેમના વિરુદ્ધ કરવામાં આવેલા કેસોને ડીસમીસ કરવાની અરજી જામનગર એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટે ફગાવી દીધી છે. ફિલ્મફેર એવોર્ડ વિજેતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ જામનગરના એક જાણીતા ઉદ્યોગપતી પાસેથી ફિલ્મો બનાવવા એક કરોડ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. ત્યારબાદ ઉદ્યોગપતીને 10 લાખના 10 ચેક આપ્યા હતા, પરંતુ આ તમામ ચેકમાં સહીની ભૂલો હોવાથી ક્લિયર થઇ શક્યા ન હતા, ત્યારબાદ ઉદ્યોગપતીએ રાજકુમાર સંતોષી સામે જામનગરમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ બધા ચેકમાં કરી છે.
આ ફરિયાદ બાદ રાજકુમાર સંતોષીએ આ બધા ચેક મુંબઇ બ્રાંચના હોય, બધા કેસો મુજબ મુંબઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવા કાનુની લડત કરી હતી. પરંતુ ફરિયાદી તરફથી વકીલની ધારદાર રજૂઆત બાદ તમામ કેસ જામનગર કોર્ટમાં જ ચાલશે તેવો કોર્ટે આદેશ કર્યો હતો અને રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ હતું. તેમ છતા રાજકુમાર સંતોષી જામનગરની કોર્ટમાં હાજર ન રહેતા તેમના વિરુદ્ધ વોરંટ કઢાવ્યું હતું. ત્યારબાદ રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટમાં હાજર રહેવાની પણ ફરજ પડી હતી અને બધા કેસમાં તેમની પ્લી લેવામાં આવી હતી. ત્યારબાદ રાજકુમાર સંતોષીએ જામનગરની કોર્ટમાં પોતાની વિરુદ્ધ થયેલા તમામ કેસોમાં પોતાની સામે ઇસ્યુ કરવામાં આવેલી પ્રોસેસ રીકોલ કરવા કે ડીસમીસ કરવા કે ફરિયાદ ડિસમીસ કરવા અરજી કરી હતી. પરંતુ ફરિયાદી તરફથી વકિલ પીયુષ અને ભાવિન ભોજાણીની ધારદાર દલીલો બાદ કોર્ટે રાજકુમાર સંતોષીની અરજી નામંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે.