જામનગર:જિલ્લામાં પીવા માટે મળશે પાણી કે પછી સિંચાઇ માટે યક્ષ પ્રશ્ન...

જીલ્લાના ૨૬ મા થી માત્ર ૪ ડેમોમા જ ૧૦૦% પાણી

જામનગર:જિલ્લામાં પીવા માટે મળશે પાણી કે પછી સિંચાઇ માટે યક્ષ પ્રશ્ન...

જામનગર  જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફ્ળ જવાના ભય વચ્ચે ખેડૂતોમાં ચિંતા જન્મી છે ત્યારે ખેડૂતો દ્વારા ડેમોમાંથી સિંચાઈ માટે પાણી આપવાની માંગણી શરૂ કરવામાં આવી છે,બીજી બાજુ સરકાર પીવાના પાણી માટે ડેમોમાં રહેલ  પાણીનો જથ્થો અનામત રાખવાનું વિચારી રહી છે,  હવે વરસાદ વધુ ખેંચાય તો પાક નિષ્ફ્ળ જાય તેમ છે,અને ખેડૂતોના બુરા હાલ થાય તેમ છે,

જામનગર જિલ્લામાં આવેલ કુલ ૨૬ ડેમોમાંથી હાલ ઊંડ-૧,સસોઈ,પન્ના,અને કંકાવટી એમ કુલ ચાર ડેમોમાંથી ખેડૂતોએ પોતાનો પાક બચવા માટે સિંચાઈના પાણીની માંગણી કરેલ છે ,ત્યારે  આ ડેમોંમાં રહેલ પીવાના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવતો હોય, ભારે મુશ્કેલી સર્જાય તેમ છે,

વધુમાં જામનગર જિલ્લામાં અપૂરતા વરસાદના કારણે ડેમોમાં પણ પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી અને છેલ્લા ૧૫ દિવસથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતો હવે વરસાદ પડવાની રાહ જોઈને બેઠા છે પરંતુ  વરસાદના કોઈ અણસાર ન દેખાતા ડેમોમાં રહેલ પાણી લેવા માટે ખેડૂતો દોડાદોડી કરી રહ્યા છે ત્યારે જામનગર સિંચાઈ  વિભાગ પાસે   ઊંડ-1 અને સસોઈ ડેમમાંથી ખેડૂતો સિંચાઈ માટે માંગણી કરેલ છે આ માંગણી સરકારમાં મંજૂરી માટે મોકલેલ છે,તેવું કાર્યપાલક ઈજનેર માંડલિયાએ જણાવ્યું હતું,

જામનગર જીલ્લાના ૨૬ ડેમોમાંથી માત્ર ચાર ડેમો જ સંપૂર્ણ ભરાયા છે,એવામાં હવે અસમંજસ એ ઉભી થઇ છે કે જો થોડા દિવસોમાં વરસાદ ના પડે તો હયાત પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખવો કે પછી ખેડૂતોને પાણી આપવું જો કે જયારે આવી સ્થિતિ નું નિર્માણ થતું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ હયાત પાણી નો જથ્થો પીવા માટે અનામત રાખી દેવામાં આવતા ખેડૂતોની સ્થિતિ કફોડી થતી હોય છે,ત્યારે આશા રાખીએ કે મેઘરાજા મહેર કરે અને જામનગર પરથી જળસંકટના વાદળો કુદરત દુર કરે.