જામનગર:ચિલ્ડ્રન હોમમાં બાળકો પર આ રીતે ગુજારવામાં આવતો હતો અત્યાચાર  

તપાસટીમને બાળકો એ આપવીતી વર્ણવી

 જામનગર:ચિલ્ડ્રન હોમમાં બાળકો પર આ રીતે ગુજારવામાં આવતો હતો અત્યાચાર  
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર-

અમને ફાધર ફડાકા તેમજ ક્રિકેટના સ્ટમ્પથી માર મારે છે અને ઇલેક્ટ્રીક શોર્ટ આપવાનો ડર બતાવે છે,આવી ચોંકાવનારી ફરિયાદ જામનગર ચિલ્ડ્રન હોમના બાળકોએ કરતા ગૃહપતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે,

તાજેતરમાં જ બિહારમાં સામાજીક ન્યાય અધિકારીના વિભાગ હેઠળ સંચાલીત હોસ્ટેલમાં યુવતીઓ ઉપર ગુજારવામાં આવેલ શારીરિક શોષણનો કિસ્સાએ  સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે અને આ શર્મસાર મુદ્દો સંસદમાં ઉડતા સી.બી.આઈ તપાસ સોંપવાની કેન્દ્ર સરકારને ફરજ પડી હતી,

આ બાબત સુપ્રીમ કોર્ટને ધ્યાને આવતા કોર્ટે લાલ આંખ કરીને સમગ્ર દેશમાં ચાલતા બાળ સંરક્ષણ ગૃહોનું ચેકીંગ હાથ ધરી એક અઠવાડિયામાં રિપોર્ટ આપવાનો આદેશ પણ કર્યો છે જેના પગલે જામનગર કલેક્ટરને મળેલ સૂચના આધારે એક ટીમ બનાવીને જામનગર રણજીત સાગર રોડ,સાધના કોલોની પાસે આવેલ સમાજ સુરક્ષા વિભાગ સંચાલીત ચિલ્ડ્રન હોમમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,

જેમાં અંદાજે 50 બાળકો હોય તેમાંથી અમુક બાળકોએ ચિલ્ડ્રન હોમના ગૃહપતિ સુમિતભાઈ બાબુભાઇ દાવદરા સામે વ્યાપક ફરિયાદો કરી હતી..અને બાળકોએ ચેકીંગ ટુકડીને જણાવ્યું હતું કે,ફાધર અમને માનસિક ત્રાસ આપીને લાફાથી માર મારી કોમ્પ્યુટરના ડેટા કેબલથી કરંટ આપવાનો ડર બતાવે છે અને ક્રિકેટના સ્ટમ્પ વડે અમને માર મારે છે આવી ચોંકાવનારી ફરિયાદ કરતા ચેકીંગ ટુકડીના અધિકારીઓ હતપ્રભ બની ગયા હતા અને તાત્કાલિક ચિલ્ડ્રન હોમના સુપ્રિટેન્ડન્ટ વિભાભાઇ કાનાભાઇ મેવાડાને સૂચના આપી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું,

જેના પગલે ગૃહપતિ સુમિતભાઈ બાબુભાઇ દાવદરા વિરૂદ્ધ પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે આમ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારના સુરક્ષા વિભાગ સંચાલિત સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ચિલ્ડ્રન હોમમાં ઉચ્ચ અધિકારીઓની ચેકીંગ હાથ ધરતા બાળકો ઉપર ગુજારવામાં આવતા અત્યાચારના કિસ્સા સામે આવી રહ્યા છે,ત્યારે જામનગર ચિલ્ડ્રન હોમમાં પણ બાળકો ઉપર ગૃહપતિ અત્યાચાર ગુજારતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર જાગી છે.