હાઇકોર્ટનો અનાદર કરી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરતુ જામ્યુકો..

જાણો સમગ્ર મામલો..

હાઇકોર્ટનો અનાદર કરી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરતુ જામ્યુકો..

Mysamachar.in-જામનગર:

જામનગરમાં રેકડી-કેબીનથી ધંધા કરવા ઉપર 14 પ્રતિબંધીત વિસ્તારો અંગેના ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ નોટીફીકેશન બહાર પાડીને બેસી ગયેલુ જામ્યુકો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી રહ્યુ છે,માટે જાગૃત નાગરીકોએ કોર્ટમાં ઢસડી જવા પ્રયત્ન કર્યા પરંતુ તે પ્રયત્નો ઉગી સર્યા નહી અને ત્રાસદાયક સ્થિતિ એવી ને એવી જ રહી એક તો શિથીલ સીસ્ટમના કારણે તારણો-નિર્ણયો-હુકમો અને અમલવારી ઝડપી થતા નથી ખુબ જ સમય ખવાઈ છે, તે ઉપરાંત ઘણી વખત વિરોધ કરવામાંથી પ્રસિઘ્ધી કે વાહવાહી મેળવીને આવા પરપોટા બેસી જતા હોય છે,

અમુક કિસ્સામાં ‘કોઇ’ બીજી રીતે ખરડાયેલા હોય તો શામ-દામ-દંડ-ભેદ અખત્યાર થાય માટે બેસી રહેવુ પડે (પગવાળીને...પહેલા ભલે પગ પછાડયા હોય) આવી અનેક બાબતો વચ્ચે જ્યારે આ પ્રતિબંધીત 14 વિસ્તારો છે,ત્યાંથી અમુક સ્ટેટ હાઇવે પણ પસાર થાય છે, શહેરનો ટ્રાફીક અને વેપારધંધા, રાહદારી આવાગમન અને રહેણાંક વિસ્તારો અસરગ્રસ્ત થઇ શકે છે માટે કોર્પોરેશન- પોલીસ- ટ્રાફીક- રેવન્યુ- માર્ગ મકાન દરેક વિભાગ એક સરખા જ જવાબદાર છે.

તા.15-12-94ના હાઇકોર્ટના હુકમ મુજબ રેકડી-કેબીનથી ધંધો કરવા પ્રતિબંધીત કરાયેલા વિસ્તારમાં બર્ધનચોક, ખંભાળિયા નાકા, અનુપમ ટોકીઝ, હવાઇ ચોક, સેન્ટ્રલબેંક રોડ, ચાંદી બજાર, દરબારગઢ સર્કલ, સુપરમાર્કેટ નજીક, પંચેશ્ર્વર ટાવર રોડ, મોટી આશાપુરા રોડ, રણજીત રોડ, બેડી ગેઇટ સર્કલ, સુમેર કલબ રોડ, લાલ બંગલા સર્કલ અને તીનબતી સર્કલનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોના બદલે વૈકલ્પીક વિસ્તાર તંત્રએ ફાળવવાનો છે,અને સ્ટેન્ડ પાસ, મુવીંગ લાયસન્સ ઇસ્યુ કરવાના છે,અને ધંધાના પ્રકાર મુજબ મુવીંગ લાયસન્સ આપવાનું છે,તેમાં દરેક પ્રકારે આવાગમન-ટ્રાફીક નિયમનની સહિતની શરતો નાખવાની છે- જોકે હાલ એક પણ અસ્થાયી પાસ ઇસ્યુ કરાયા જ નથી.


શહેરમાં એક હજાર જેટલી ‘કૃપા’ કેબીન..
જામનગરમાં ફુટપાથ, પાથવે, શોપીંગ સેન્ટર, રોડ ટચ, સરકારી કચેરીની દિવાલોને લગત જે જગ્યાની લાખો રૂપિયા કિંમત થાય ત્યાં ઠેલા, કેબીન, સ્થાયી રેકડીઓની સંખ્યા એક હજારથી વધુ છે,જેનું જંગી ટર્ન ઓવર છે જેમાં પાન, બીડી, સીગારેટ, છુપાવેલી ગુટખા, પાણીના પાઉચ, ઠંડા પીણા, ચા-કોફી-દૂધ, નાસ્તા વગેરેના ધંધા ધમધોકાર ચાલે છે,આ ‘કૃપા’ કેબીન કોઇ પ્રજા પ્રતિનિધિની, રાજકીય વ્યકિતની, પોલીસ કર્મચારીઓની, કોર્પોરેશનના કર્મચારીઓની, સરકારી વિભાગના કોઇ વ્યકિતઓની, કેટલાક હંગામી કર્મચારીઓની, યુનીયન અગ્રણીઓની, અમુક સામાજીક અગ્રણીઓ વગેરે અનેકની કૃપા ઉપર ચાલે છે,જે જરૂર પડયે ‘કયારેક’ જ ખાસ કિસ્સામાં જ હટાવાય છે એ સિવાય તો “રામરાજ”છે.

એકલા દરબાર ગઢ, બર્ધનચોકનું રોજનું રોડ ઉપર 20 લાખનું ટર્નઓવર
શાકમાર્કેટ, દરબારગઢ, બર્ધનચોક, લીંડી બજાર, માંડવી ટાવર રોડ ઉપરનું રોજનું વેચાણ, વેપારનું રૂપિયા 20 લાખનું ટર્ન ઓવર છે,તે પણ 50 ટકા પ્રોફીટવાળુ આ જીણી મોટી ચીજવસ્તુઓ જેમાં ઘર વપરાશની વસ્તુ, ઔષધ, કરીયાણા, શાક, ફ્રુટ, કાપડ, વાસણ, નાતે બીઝનેસ છે,તેની આડમાં અન્ય પ્રતિબંધીત ધંધા, શોષણના વ્યવસાય, સેટીંગના અડ્ડા પણ છે આ દુષણ ડામવા સુયોજીત વૈકલ્પીક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાની અમલવારી કરાવવી જરૂરી છે.

વારંવાર એક જ જગ્યાએ ‘એટેક’... ભાવ ઉચકવા છે કે શું? લોકોમાં ચર્ચા
દરબારગઢ, બર્ધનચોક, લીંડી બજાર, શાકમાર્કેટ સંકુલનો રોજનો કથિત એક લાખનો હપ્તો ઉઘરાવાતો હોવાનું લોકોમાં ચર્ચાય છે,હપ્તો ઉઘરાવનારાઓની ફોજ છે જેમાં નાત-જાત-કોમના કોઇ ભેદભાવ નથી,ત્યારે આ વિસ્તારમાં કાયમી ઉકેલ તો આવતો નથી માટે વારંવાર એટેક કરીને ચોક્કસ તંત્ર નાટક કરે છે,તે ભાવ ઉચકવા માટે કરે છે કે શું? તેવી પણ લોકોમાં ચર્ચા છે નહીતો સમગ્ર શહેરમાં આ પ્રકારના રેકડી-કેબીન-ઠેલાના ત્રાસ છે જ તેને સુયોજીત વૈકલ્પીક વ્યવસ્થા કરી અપાતી નથી ત્યાં ગોઠવાઇ ગયુ છે કે શું? તેમ પણ લોકોમાં કોમેન્ટ થાય છે.