જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં LED લાઇટ કૌભાંડનો મુદ્દો ગાજ્યો

શાસકપક્ષને અધિકારીઓએ ગાંઠતા નથી

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં LED લાઇટ કૌભાંડનો મુદ્દો ગાજ્યો

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભામાં ફરી એક વાર ભ્રષ્ટાચારના મામલે શાસકપક્ષના જ સભ્યએ ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચાવતા સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો. ત્યારે જિલ્લા પંચાયત હેઠળ ગામડાઓમાં કરવામાં આવતા કામોમાં મોટાપાયે કથિત ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે,

આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કાલાવડ નીકાવા બેઠકના કોંગ્રેસના જ સદસ્ય જે.પી.મારવીયાએ બઘડાટી બોલાવતા LED લાઇટ ફીટ કરવા મામલે ભ્રષ્ટાચાર કરીને નબળી ગુણવતાની LED લાઇટો નાખવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ સાથે સામાન્ય સભામાં પુરાવા રૂપે લાઇટ પણ લાવીને DDO, પ્રમુખ, વગેરેને બતાવીને ઉગ્ર રજૂઆત કરી હતી,

કાલાવડના નીકાવા બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યો જે.પી.મારવીયાએ સદસ્યની ગ્રાન્ટમાંથી મોટા વડાળા ગામે LED લાઇટ માટે 2 લાખની ગ્રાન્ટ સૂચવેલ હતી, આ ગ્રાન્ટમાંથી ૪૪ લાઇટો નાખવામાં આવી હતી. આ લાઇટો ચાલુ કંપનીની ઓછી કિંમતની ખરીદ કરીને તેની જગ્યાએ ૧ લાઇટ દીઠ ૪૦૦૦નું બિલ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની કાલાવડના TDOને રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ પગલા ન ભરાતા આજે સામાન્ય સભામાં જે.પી.મારવીયાએ રજૂઆત કરી હતી.

આ મામલે Mysamachar.in સાથે ટેલિફોનિક વાતચીતમાં જિલ્લા પંચાયતના સદસ્યએ જણાવ્યુ હતું કે, LED લાઇટ ઉપરાંત ગામેગામ લગાવવામાં આવતા સ્વચ્છતાના બોર્ડમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જે અંગે આજે જિલ્લા પંચાયતમાં DDOનું ધ્યાન દોર્યા બાદ તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે,

આમ  ગત સામાન્ય સભામાં જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના રોડ રસ્તાના કામમાં કથિત ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે જોડીયાના કોંગ્રેસના જ સદસ્ય મોહનભાઈ પરમારે ઉગ્ર રજૂઆત કરી હતી.ત્યારે આજે કાલાવડના સદસ્યએ લાઇટ કૌભાંડની રજૂઆત કરતા જિલ્લા પંચાયતના વહીવટો સામે અનેક સવાલો ઉઠ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.