ગેરરીતિના આક્ષેપ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કર્યો આવો ખુલાસો

કોંગ્રેસે જાહેર કર્યા હતા CCTV

ગેરરીતિના આક્ષેપ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કર્યો આવો ખુલાસો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા

Mysamachar.in-ગાંધીનગરઃ

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપ બાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખુલાસો કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ વાત કરતાં જણાવ્યું કે હાલ મંડળને પરીક્ષાને લઇને ફરિયાદો મળી રહી છે. તમામ ફરિયાદો સાંભળી તેની તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ પગલા લેવામાં આવશે. વોરાએ કહ્યું કે 15થી 20 કેન્દ્રો પર ગેરરીતિ થયાની અમને ફરિયાદ મળી છે. પરીક્ષા બાદ તમામ સેન્ટરો પાસેથી સીસીટીવી ફૂટેજની ડીવીડી મંગાવવા આવે છે, આવા 34 હજાર કેન્દ્રો છે, જેથી તમામના સીસીટીવી ફૂટેજ મંગાવવામાં થોડો સમય લાગે છે, પરંતુ જે જે સેન્ટરો પર ગેરરીતિની ફરિયાદ મળી ત્યાંથી વહેલી તકે ડીવીડી મંગાવવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવશે.

પત્રકારોએ પુછ્યું કે શું રાજકીય રીતે ગૌણ સેવા પસંદગી મંડળને બોલવા પર લગામ લગાવવામાં આવી છે કે કેમ તેના જવાબમાં અસિત વોરાએ જણાવ્યું કે એવુ કશુ નથી વોટ્સએપ પર ગ્રીન ટીક થયેલા પેપરના જવાબ વાયરલ થયા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે જો કે આ પ્રકારના મેસેજ ફેક પણ હોઇ શકે છે તેથી સમગ્ર ફરિયાદોના આધારે વિસ્તાર પૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. ગેરરીતિમાં કસૂરવાર વિદ્યાર્થી સામે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી એક કે બે વર્ષ સુધીના પ્રતિબંધ સુધીની સજા કરવામાં આવશે. હાલ સમગ્ર ફરિયાદો પર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ બિન સચિવાલયની પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે પરીક્ષામાં ગેરરીતિ થઇ છે અને લાખો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરવામાં આવ્યા છે.