મોડેલ બનવા ઘરેથી ભાગેલી સગીર યુવતી સાથે ગેંગરેપ

બે મિત્રો અને રિક્ષા ડ્રાઇવરે ફાયદો ઉઠાવ્યો

મોડેલ બનવા ઘરેથી ભાગેલી સગીર યુવતી સાથે ગેંગરેપ
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-સુરતઃ

મહિલા સાથે અત્યાચાર અને દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે, સુરતની એક સગીર યુવતી મોડેલ બનવાનું સપનું લઇને ઘરેથી ભાગી હતી, જો કે કેટલાક નરાધમોએ યુવતીનો ફાયદો ઉઠાવી પીંખી નાખી. યુવતી પર પહેલા બે કિશોરોએ દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ એક રિક્ષા ચાલકે પણ એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યું. સમગ્ર વાતની જાણ પરિવારજનોને થતા તેઓએ સુરતના લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે અને યુવકોની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતમાં ગોડાદરા વિસ્તારમાં રહેતા મૂળ ઝારખંડાના શ્રમજીવી પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ સંતાન રહે છે. જેમાં અભ્યાસમાં રસ ન લેતી હોવાને કારણે બીજા નંબરની 13 વર્ષિય યુવતીને માતા-પિતાએ ઠપકો આપ્યો હતો, જેથી કંટાળી યુવતી બુધવારે સાંજે ઘરેથી ભાગી ગઇ. બાદમાં પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ યુવતીના મિત્રો અને ફોન ડિટેઇલની મદદથી યુવતી સુધી પહોંચી. જો કે બાદમાં યુવતીએ જણાવ્યું કે રેલવે સ્ટેશન સુધી મૂકી જવાનું કહી તેના બે મિત્રો અવાવરુ જગ્યાએ લઇ ગયા અને ત્યાં દુષ્કર્મ આચર્યું. ત્યાંથી બંને કિશોરોએ યુવતીને રિક્ષામાં બેસાડી જતા રહ્યાં, ત્યારબાદ યુવતીએ વાત વાતમાં કહી દીધું કે તે મુંબઇ મોડેલ બનવા માટે જાય છે. આ વાતનો ફાયદો ઉઠાવી રિક્ષા ડ્રાઇવરે યુવતીને કહ્યું કે અત્યારે મુંબઇ ક્યાં જઇશ એના કરતાં મારે ઘરે રાત રોકાઇ સવારે જતી રહેજે. બાદમાં રિક્ષા ડ્રાઇવર યુવતીને પોતાના ઘરે લઇ ગયો અને ત્યાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો. સમગ્ર વાત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી અને ગણતરીની કલાકોમાં રિક્ષા ડ્રાઇવરને દબોચી લીધો જ્યારે ફરાર બંને કિશોરની શોધખોળ હાથ ધરી છે.