વિદેશ જવાના સપના જોતી મહિલાઓ સાવધાન, નહીં તો થશે આવું...

આંખ ઉઘાડતો કિસ્સો

વિદેશ જવાના સપના જોતી મહિલાઓ સાવધાન, નહીં તો થશે આવું...
મહિલા લંડનનો શખ્સ હોવાનું સમજતી હતી, પણ હકીકત આવી હતી

Mysamachar.in-અમદાવાદઃ

કહેવાય છે કે માણસને વધુ લાલચ ન રાખવી જોઇએ, કારણ કે લાલચને કારણે ઘણીવાર નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અહીં એક લાલચુ પત્ની પતિ હોવા છતા બીજા લગ્ન કરવા તૈયાર થઇ ગઇ, જો કે આ ચક્કરમાં તે એક ઇન્ટરનેશનલ રેકટમાં ફસાઇ ગઇ અને આ રેકેટ ચલાવતી ટોળકીએ મહિલા પાસેથી 7.5 લાખ રૂપિયા પડાવી લીધા. કેવી રીતે ધીમી ધીમે આ ટોળકીએ મહિલાને પોતાની જાળમાં ફસાવી અને રૂરિયા ખંખેર્યા તે જાણવા જેવું છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી બે આરોપીની ધરપકડ કરી, તપાસમાં બહાર આવ્યું કે આ બંને આરોપીઓએ અનેક મહિલાઓ સાથે આવી રીતે જ છેતરપીંડિ કરી છે.

બનાવની વિગત એવી છે કે વધુ પૈસા કમાવવા માટે મોટાભાગના ભારતીયો વિદેશ જવાનું વિચારી રહ્યાં હોય છે. અમદાવાદમાં રહેતી અને વેપારીની પત્નીને પણ વિદેશની નાગરિકતા મેળવી ડોલરમાં પૈસા કમાવવાની લાલચ જાગી, આ દરમિયાન ફેસબૂક પર તેનો સંપર્ક એક બેન મોરિસ નામના શખ્સ સાથે થયો. આ શખ્સે પોતે લંડનનો હોવાનું જણાવ્યું. અમદાવાદની મહિલાને થયું કે તેની સાથે લગ્ન કરી તે લંડનમાં સ્થાઇ થઇ શકશે આથી તેણે પોતાના ગુજરાતી પતિને છોડી બેન મોરિસ સાથે લગ્ન કરવાના સપના જોવાના શરૂ કર્યા, જો કે કહેવાય છે ને કે લાલચમાં માણસ આંધળો બની જાય છે, અને બાદમાં અમદાવાદની મહિલા સાથે પણ આવું જ બન્યું.

અમદાવાદની મહિલા સાથે ફેસબૂકમાં મિત્રતા કેળવ્યા બાદ શખ્સે મોંઘી મોંઘી ગિફ્ટો મોકલી હોવાનું કહ્યું, જો કે મહિલાને કસ્ટમમાંથી બોલતા હોવાનું કરી આ ગિફ્ટો છોડાવવા માટે અલગ અલગ નંબરથી ફોન આવ્યા, આ ગિફ્ટના બદલામાં તેને રૂપિયા ભરવાનું કહેવામાં આવતું. જો કે લાલચને કારણે મહિલાએ ધીમે ધીમે કરી 7.5 લાખ રૂપિયા ભરી દીધા. જો કે બાદમાં તેની સાથે છેતરપીડિં થયાનું બહાર આવતા ફરિયાદ નોંધાવી. સાઇબર ક્રાઇમે તપાસ કરી તો જાણવા મળ્યું કે લંડનનો રહેવાસી હોવાનું કહેતો શખ્સ મૂળ નાઇઝિરિયન છે અને તે દિલ્હીમાં રહે છે. આ શખ્સની સાથે એક નાગાલેન્ડની મહિલા પણ છે. આ બંને દિલ્હીમાં લીવ ઇન રિલેશનમાં છેલ્લા એક વર્ષથી રહેતાં હતા. આ બંનેએ વિદેશ જવાના સપના જોતી અનેક ભારતીય મહિલાઓને પોતાનો શિકાર બનાવી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.