'કાંટાઉંદરો' સાથે તાંત્રિક વિધિ કરતાં ચાર ઝડપાયા

આવી રીતે થયો પર્દાફાશ

'કાંટાઉંદરો' સાથે તાંત્રિક વિધિ કરતાં ચાર ઝડપાયા

Mysamachar.in-વડોદરાઃ

છેલ્લા કેટલાક સમયથી વન્ય જીવોના વેપલાની ઘટના વધી રહી છે, એવામાં પહેલીવાર કાંટાઉંદરો સાથે તાંત્રિક વિધિ કરનારા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વનવિભાગ અને GSPCની ટીમે સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ટીમે સંયુક્ત કુટુંબની મિલકતના ઝગડાનો ઉકેલ લાવવાની સ્ટોરી બનાવી આરોપી તાંત્રિકોનો સંપર્ક સાધ્યો હતો, ત્યારાબાદ તાંત્રિકોએ કાંટાઉંદરો સાથેની તાંત્રિક વિધિ કરવાનું કહ્યું હતું. બાદમાં સમગ્ર ટોળકીના સભ્યોની રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષામાં કાંટાવાળો ઉંદર અને અગ્રેજીમાં તેને hedgehog કહેવામાં આવે છે. તે વન્યજીવ અધિનિયમ 1972 હેઠળ સંરક્ષિત જાહેર કરાયેલા છે, જેથી કોઇપણ વન્ય જીવને વેચવો કે ખરીદવો તે ગુનો બને છે.

શહેર નજીકના વાઘોડિયાના દેવરિયામાં ગત મોડી રાત્રે કાંટાઉદર રાખીને તાંત્રિક વિધિ કરતી 4 વ્યક્તિઓને જીએસપીસીએ અને વનવિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી લીધા છે. આ ઘટના બાદ વડોદરા શહેર જિલ્લામાં પ્રતિબંધિત વન્ય જીવોના વેપલાનું વ્યવસ્થિત નેટવર્ક હોવાનું વધુ એકવાર પૂરવાર થયું છે. આ ટોળકીએ તાંત્રિક વિધિ કરવી પડશે એમ જણાવતા વનવિભાગ અને જીએસપીસીએના માણસો નક્કી કરેલા સ્થળે પહોંચી ગયા હતા. રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે પાંચ નંગ ઉંદરો સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. વનવિભાગના જણાવ્યા મુજબ આ તમામ આરોપીઓએ આ ઉંદર કચ્છથી લાવ્યાં હોવાનું બહાર આવ્યું છે. વડોદરાના આરએફઓ નિધિ દવેએ જણાવ્યું હતું કે, વડોદરામાં સ્ટાર કાચબા, સોફ્ટ શેલ ટર્ટલ (કાચબા) અને અજગરનુ તથા કોબ્રાનું વેચાણ થઇ રહ્યું હોવાની પણ માહિતી મળી છે. તેની તપાસ ચાલુ છે.