સેશન્સ કોર્ટ પાસે અકસ્માત બાદ પોલીસ અને વકીલ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

કોર્ટમાં તમામ વકીલોના એકત્રિત થઇ ગયા

સેશન્સ કોર્ટ પાસે અકસ્માત બાદ પોલીસ અને વકીલ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

Mysamachar.in-રાજકોટઃ

રાજકોટ સેશન કોર્ટમાં થોડીવાર માટે પોલીસ અને વકીલો વચ્ચે તણખા ઝર્યા હતા, વાત એવી બની કે બે પોલીસ કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરની પ્રાઇવેટ કારમાં આરોપીને કોર્ટમાં હાજર કરવા માટે લાવ્યા હતા, આ દરમિયાન કોર્ટ નજીક કોન્સ્ટેબલની કાર અને વકીલની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાદમાં ઉશ્કેરાયેલા વકીલે પોલીસકર્મી સાથે ઉગ્ર દલીલો કરી હતી, જોતજોતામાં કોર્ટમાં તમામ વકીલો એકત્રિત થયા હતા. આ અંગે સેશન્સ જજ દ્વારા પોલીસ કમિશનરને જાણ કરવામાં આવતા DCP મનોહરસિંહ જાડેજા કોર્ટ દોડી આવ્યા હતા. બાદમાં જાણવા મળ્યું કે બંને કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલા અને ભુપેન્દ્રસિંહ વાઘેલા લૂંટના આરોપીને નંબર પ્લેટ વગરની કારમાં લાવ્યા બાદ એડવોકેટ તુષાર ગોકાણીની કાર સાથે અકસ્માત સર્જાતા મામલો બિચક્યો હતો, મામલો વધુ ગંભીર ન બને તેથી ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કોન્સ્ટેબલની નંબર વગરની કારને ડિટેઇન કરી હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોન્સ્ટેબલની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર ડિટેઇન કરવામાં આવી છે. કમિશનરની સૂચના બાદ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. પ્રાઇવેટ કારમાં ક્યાં કારણોસર આરોપીઓને લઇ આવ્યા તે બાબતે પૂછપરછ કરવામાં આવશે.