રાજ્યની બે જેલમાં કેદીઓને જલસા, કોલસેન્ટર પકડાયું, ચાર કેદી ફરાર !

સુરક્ષાની પોલ ખુલી

રાજ્યની બે જેલમાં કેદીઓને જલસા, કોલસેન્ટર પકડાયું, ચાર કેદી ફરાર !
લીંબડી જેલની બહારની તસવીર

Mysamachar.in-વડોદરા/સુરેન્દ્રનગરઃ

છેલ્લા કેટલાક સમયથી જેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઇને ભારે સવાલો ઉઠી રહ્યાં છે, ખાસ કરીને જેલમાંથી મોબાઇલ મળવો તો સામાન્ય બાબત બની ગઇ છે, પરંતુ આ વખતે તો જેલમાં કેદી દ્વારા ચાલતું મસમોટું કોલસેન્ટર જ પકડાયું છે. વડોદરા જેલમાં એક કેદી દ્વારા મોબાઇલ ફોનની વ્યવસ્થા કરી દેવામાં આવતી જેની મદદથી કેદીઓ વાત કરવા માટે પૈસા ચૂકવતા હતા. તો બીજી એક ઘટનામાં જેલ પ્રસાશનની ઢીલી નીતી જગજાહેર થઇ છે, જેમાં સુરેન્દ્રનગરના લીંમડીમાં આવેલી સબજેલમાંથી ચાર કેદીઓ ફરાર થઇ ગયા છે. બંને ઘટનાથી રાજ્યમાં જેલની સુરક્ષા અને કેદીઓને જલસા હોવાની ભારે ચર્ચા જાગી છે. 

સૌપ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં સેન્ટ્રલ જેલમાંથી ગોધરાકાંડ 2002ના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા સલીમ યુસુફ ઝર્દા પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા, બાદમાં તપાસમાં બહાર આવ્યું કે સલીમ ઝર્દા જેલમાં બેઠા બેઠા કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો. 30 ફૂટ ઊંચી દિવાલો ઉપર લાગેલા ઝામર વચ્ચે સલીમ ઝર્દા મોબાઇલ સાથે 24 કલાક કેદીઓની વચ્ચે રહેતો હતો. તેની પાસેથી કુલ 4 મોબાઈલ ઝડપાયા છે અને આ 4 મોબાઈલના IMEI નંબર પરથી તપાસ કરતા 24 નંબર પર વાતો થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ તે એક કેદી પાસેથી મહિને લગભગ રૂપિયા 5000 જેટલો ચાર્જ લેતો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, જેલમાં બેઠા બેઠા તે તેના સગા સંબંધીના એકાઉન્ટ નંબર આપતો હતો અને તેના ખાતામાં ફોનના ચાર્જ પેટે લીધેલા પૈસા જમા કરાવતો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અશોક વસાવા, આસિફ ઉર્ફે તિતલી સલીમ શેખ, મયુર માનાજીરાવ ગાયકવાડ, અબ્દુલ ઉર્ફે મુન્નો થમ્સઅપ રહેમાન શેખની ધરપકડ કરવામાં આવી છે.

તો સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલી સબજેલમાંથી ચાર કેદીઓ વહેલી સવારે ફરાર થઇ ગયા. જેલ પ્રસાશન રાતની ભરનિંદ્રામાંથી જાગી સવારે જોયું તો કાચા કામના ચાર કેદીઓ ગાયબ હતા. ચારેય કેદીઓ સબજેલની ભીંત પર લગાડેલા તાર કાપી ફરાર થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હવે ફરાર કેદીઓને પકડવા માટે ચારે બાજુ નાકાબંધી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લીંબડી ગામ નેશનલ હાઇવે પર આવેલું છે, જેથી ફરાર કેદીઓને જિલ્લાઓ કે રાજ્ય બદલતા વાર ન લાગી શકે. તમને યાદ અપાવી દઇએ કે આ એજ લીંબડીની સબજેલ છે, જેમાંથી થોડા સમય પહેલા એક કેદીનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં જેલની અંદર કેદીઓને કેવા જલસા હોય છે તે એક કેદીએ જણાવ્યું હતું. વીડિયોમાં જોવા મળતું હતું કે જેલની કોટડીની અંદર ફોન, સિગારેટ, તમાકુ, મસાલા જેવી તમામ પ્રતિબંધિત વસ્તુઓ ઉપલબ્ધ છે. એક કેદી એવું કહેતાં સંભળાય છે કે, આ તમામ સુવિધાઓ આપવા પાછળ પોલીસ પોતે જ જવાબદાર છે. તેઓ કહે છે કે 'પોલીસ અધિકારીઓ ત્રણ ગણા રૂપિયા લઈ પ્રતિબંધિત વસ્તુઓ સુવિધાઓ પૂરી પાડે છે.'