ફોટોશોપની મદદથી અહી બની રહ્યા હતા 300 રૂપિયામા ડુપ્લીકેટ પાસ 

તંત્રને શંકા હતી કે ઇસ્યુ કરેલ પાસ કરતા વધુ લોકો ફરે છે

ફોટોશોપની મદદથી અહી બની રહ્યા હતા 300 રૂપિયામા ડુપ્લીકેટ પાસ 

Mysamachar.in-રાજકોટ:

લોકડાઉનમાં તંત્ર દ્વારા જરૂરી પાસ ઇસ્યુ અમુક લોકોને અવરજવર માટે કરવામાં આવ્યા હતા,  પંરતુ તંત્ર દ્વાર અપાયેલા પાસ કરતાં વધુ લોકો અવર જવર કરતા હોવાનું ધ્યાને આવતા આ કેમ થઇ રહ્યું છે, તે અંગે તપાસ તજવીજ ચાલી રહી હતી, દરમિયાન રાજકોટ શહેરની સિંધી કોલોનીમાં આવેલા સ્ટુડિયોમાં પોલીસે દરોડો પાડી સ્ટુડિયો સંચાલક સહિત 11 શખ્સને ઝડપી લઇ નકલી પાસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 13થી વધુ ડુપ્લીકેટ પાસ પણ જપ્ત કર્યા હતા.


સિંધી કોલોનીમાં આવેલા રાજાવીર સ્ટુડિયોમાં કલેક્ટર તંત્રના નકલી પાસ બનતા હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સ્ટુડિયો સંચાલક અમિત મોટવાણીને ઝડપી લઇ સ્ટુડિયોમાં તપાસ કરતાં ત્યાંથી સંક્રમણ નિયંત્રણ ફરજ લખેલા પાસ મળી આવ્યા હતા. પોલીસે અમિતને ઝડપી લઇ આગવીઢબે પૂછપરછ કરતાં તેણે અન્ય 10 શખ્સના નામ આપતા પોલીસે તે તમામ 10 લોકોને પણ ઝડપી લીધા હતા. આ અંગે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. દરેક પોલીસ ચેકપોસ્ટ પર પાસ ચેક કરવામાં આવશે. દરેક પાસની ખરાઇ કરવામાં આવશે. 


સ્ટુડિયો સંચાલક અમિત મોટવાણીના મિત્ર સુનિલને લોકડાઉન દરમિયાન શહેરમાં જવાની જરૂરિયાત ઊભી થઇ હતી ત્યારે તેણે પાસ માટે અમિતને વાત કરતાં અમિતે પોતાના સ્ટુડિયોમાં ફોટોશોપની મદદથી નકલી પાસ બનાવ્યો હતો. જેના બદલામાં સુનિલ પાસેથી રૂ.250 વસૂલ્યા હતા, સુનિલને નકલી પાસ મળ્યા બાદ તેણે તેના મિત્રો અને પરિચિતોને પણ આ વાત કરતાં અમિત મોટવાણી પાસે નકલી પાસ કઢાવવા માટે લોકોની લાઇન લાગવા માંડી હતી. પોલીસે આરોપીના સ્ટુડિયોમાંથી કમ્પ્યૂટર અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.