ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચિયાઓ આવ્યા ACBના સકંજામાં

ખિસ્સુ ભરે એ પહેલા જ...

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચિયાઓ આવ્યા ACBના સકંજામાં
ફાઇલ તસવીર

Mysamachar.in-રાજકોટઃ

રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ફરી એકવાર ચર્ચામાં છે, જો કે આ વખતે કોઇ ખાણી-પીણીને રેકડી પર દરોડા પાડવાને કારણે નહીં પરંતુ લાંચ લેવાના કેસમાં ચર્ચામાં છે. રાજકોટ ACBને બાતમી મળી હતી કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર અને કચેરી અધિક્ષક સરકારી કામકાજ કરી આપવાના બહાને ખિસ્સા ભરી રહ્યાં છે, ત્યારે ACBના એચ.પી. દોશીના સુપરવિઝન હેઠળ યુનિવર્સિટી રોડ પર આવેલી ફૂડ એન્ડ ડ્ર્ગ્સ કચેરીમાં સર્ચ હાથ ધર્યું હતું. જે દરમિયાન વર્ગ-2ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ઉર્વીશા પટેલની ઝડતી લેતા તેમની પાસેથી લાંચ તરીકે લેવામાં આવેલી રૂપિયા 18 હજારની રકમ મળી આવી હતી. ઉર્વીશા પટેલે આ રકમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં વર્ગ-3ના કચેરી અધિક્ષક ઇકબાલ સૈયદ મારફતે મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી સરકારી કામકાજ કરી આપવા માટે લીધી હતી. દસ્તાવેજી પુરાવા પરથી ઇન્કવાયરી દરમિયાન સાબિત થતા બંને અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સરકારી કચેરીઓમાં એન્ટી કરપ્શન બ્યૂરો એટલે કે ACBએ સપાટો બોલાવ્યો છે. તો જનતાને પણ ACB દ્વારા અવાર નવાર અપીલ કરવામાં આવે છે કે સરકારી અધિકારીઓ દ્વારા જો લાંચ માગવામાં આવે તો ACBનો સંપર્ક કરવો.