ખાનગી શાળાઓ દ્વારા થતી  ફરજીયાત ફી ઉઘરાણી બંધ કરાવો:N.S.U.I

જીલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી રજૂઆત

ખાનગી શાળાઓ દ્વારા થતી  ફરજીયાત ફી ઉઘરાણી બંધ કરાવો:N.S.U.I

Mysamachar.in-જામનગર

એક તરફ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આ કપરોકાળ પણ કહી શકાય આવા વખતે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં કેટલીય ખાનગી શાળાઓના સંચાલકો એવા છે જે જેને મન મોટું રાખી અને વાલીઓની ફી માફ આ સમય દરમિયાન કરી દીધી છે, અથવા તો અડધી રકમ કરી દીધી છે, તેનાથી ઉલટું જામનગરની કેટલીક ખાનગી શાળાઓ એ મહામારી વચ્ચે બાળકોની માર્ચ-એપ્રિલ-મે અને આગામી નવા સત્રની ફી ઉઘરાવવાના શાળાઓ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન કરવા લાગ્યા છે,  આ અંગે યોગ્ય કરી ફરજિયાત ફી ઉઘરાવવા દબાણ શાળા ન કરે તે માટે જામનગર એન.એસ.યુ.આઇ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલ સમગ્ર ભારત કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. અને અત્યારના આ મહામારીના કપરા સંજોગોમાં છેલ્લા ઘણાં દિવસોથી લોકડાઉનની પરિસ્થિતિ છે. અને આવા સમયમાં પણ જામનગરની ઘણી બધી ખાનગી શાળાઓ (CBSE અને ગુજરાત બોર્ડ) એ માર્ચ-એપ્રિલ-મેની ફી ઉઘરાવવાની શરૂ કરવાના ફોન અને મેસેજ વાલીઓને આવવા લાગ્યા છે. ઘણી બધી શાળાઓએ તો નવા સત્રની ફી પણ ઉઘરાવવાની શરૂ કરી છે. જે અત્યંત ગંભીર બાબત છે. સરકારની ગાઇડલાઇન મુજબ માર્ચ-એપ્રિલ-મે ની ફી ઉઘરાવવા માટે કોઇપણ શાળા દબાણ કરી શકે નહી. તદુપરાંત આ ફી નવેમ્બર માસ સુધી વાલી જમા કરાવી શકે છે.

આથી પરીપત્ર જાહેર કરી ફરજિયાત ઉઘરાવવાની ફી અંગે સ્પષ્ટતા કરવામાં આવે કે કોઇપણ પ્રકારની ફી હાલનાં સંજોગોમાં ઉઘરાવી શકાશે નહી તેમ માંગણી કરવામાં આવી છે. જો શાળાઓ ફરજિયાત પણે ફી ઉઘરાવવાનું શરૂ રાખશે તો યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ શાળાઓ સામે આંદોલન કરશે. આ રજૂઆત વેળાએ જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસ મંત્રી શકિતસિંહ જેઠવા, જામનગર જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ મહિપાલસિંહ જાડેજા તથા જૈનુલબાપુ સૈયદ હાજર રહ્યા હતા.