દેવભૂમિ દ્વારકા પોલીસે 150 જરૂરિયાતમંદ પરિવારોને શોધી એક અઠવાડિયા સુધીનું આપ્યું રાશન 

માનવતાભર્યા સદકાર્યોના મહેકે છે પુષ્પો           

દેવભૂમિ દ્વારકા પોલીસે 150 જરૂરિયાતમંદ પરિવારોને શોધી એક અઠવાડિયા સુધીનું આપ્યું રાશન 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

કોરોનાવાયરસની  વૈશ્વિક મહામારીમાં ખાસ કરીને ભારતમાં માનવતાભર્યા સદ્કાર્યો થકી કોરોના સામેની લડાઇને બળ મળ્યું છે. લોક ડાઉનને લીધે રોજે રોજનું કમાઈને રોજ ખાનારા વર્ગને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર લોકોનો વિશ્વાસ જીતી તમામ મોરચે કામ કરી રહી છે. આ સેવાયજ્ઞમાં સમગ્ર ગુજરાતમાં સામાજિક કાર્યકરો સંગઠનો અને કર્મયોગી યોદ્ધાઓ નો સહકાર મળતાં જરૂરીયાતમંદ પરીવારોને રાહત થઈ છે. વાત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના વધુ એક માનવતા ભર્યા સદકાર્યોની છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસના સંકલનથી જરૂરીયાતમંદ પરિવારને રોજનું ભોજન આપવાના સદ્કાર્ય પછી જિલ્લા પોલીસના એસ.ઓ.જી બ્રાન્ચના સંકલનથી સામાજિક આગેવાનોના સહકારથી જરૂરીયાતમંદ પરિવારને તેલ અનાજ અને કઠોળ તેમજ જરૂરી ખાદ્ય-સામગ્રી સાથેની કીટ આપવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

ખંભાળીયા ખાતે ડીવાયએસપી હિરેન્દ્ર જે.ચૌધરી એ જણાવ્યું હતું કે લોકડાઉનમાં કામધંધાને અભાવે અમુક જરૂરિયાતમંદ પરિવારોને મુશ્કેલી પડતી હોય છે. આ મુશ્કેલી આ અંગે સંવેદના દાખવીને જિલ્લા પોલીસવડા રોહનઆનંદના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ફરજની સાથે સાથે સામાજિક સંગઠનો સાથે સંકલન સાધીને પોલીસના યોગદાન સાથે જરૂરિયાતમંદોને રાશન  કીટ આપવાની કામગીરી ચાલી રહી છે. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોઢસો જેટલાં જરૂરીયાતમંદ પરીવારોને તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક પરિવારને એક અઠવાડિયા સુધી ચાલે તેટલું રાશન અને તેલ સહિતની ખાદ્યસામગ્રી વિતરિત કરવામાં આવી છે. આ સત્કાર્યમાં એસ.ઓ.જી તેમજ જિલ્લા પોલીસ અને સામાજિક આગેવાનોનો સહકાર મળતા આ સામાજીક સેવાને બળ મળ્યું છે તેમ પણ જણાવ્યું હતું.