મંદી છતા સબ સલામતનો સરકારનો રાગાલાપ...

આવી છે બ્રાસ ઉદ્યોગની સ્થિતિ 

મંદી છતા સબ સલામતનો સરકારનો રાગાલાપ...

Mysamachar.in-જામનગર:

સરકાર સબ સલામતનો રાગઆલાપ આપે છે, પરંતુ હાલાર સહિત સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમા મંદી ભરડો લઇ ગઇ છે, દરેક સેક્ટરમા ખર્ચ ખરીદી નિયંત્રીત થઇ ગઇ છે,બ્રાસસીટી તરીકે વૈશ્ર્વિક ઓળખ મેળવનારા  જામનગરના બ્રાસ ઉદ્યોગને મંદીનો ફટકો, ઉત્પાદનમાં 35 ટકાનો ઘટાડો થયો છે, અને ડિમાન્ડ ઘટવા લાગતા 6 હજારમાંથી 2 હજાર કારખાના સ્ટીલ, એલ્યુમિનિયમ પાર્ટના ઉત્પાદન તરફ વળ્યા નું પણ જાણવા મળે છે.

છેલ્લા કેટલાક સમયથી બ્રાસ ઉદ્યોગ પણ મંદીની મારમાં સપડાયેલો છે. ઉપરાંત રીયલ એસ્ટેટ, ઇલેકટ્રીક તેમજ ઇલેકટ્રોનિકસ સહિતના સેકટરમાં મંદીના કારણે બ્રાસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. બ્રાસના બદલે સ્ટીલ અને એલ્યુમીનયમે સ્થાન મેળવ્યું છે. બ્રાસ ઉદ્યોગમાં 30થી 35 ટકા ઉત્પાદન ઘટી ગયું છે. કારખાનાઓમાં એકને બદલે બે દિવસની રજા રાખવી પડે છે તેમજ કામના કલાકો ઓછા થયા હોવાથી શ્રમિકોની રોજગારી પણ ઘટી છે.

શહેર અને આસપાસના વિસ્તારોમાં બ્રાસપાર્ટસનું ઉત્પાદન કરવા માટે ધમધમતા છ હજાર જેટલા કારખાનાઓ પૈકી અંદાજે બે હજાર જેટલા કારખાનાઓ કે જેઓ લઘુ ઉદ્યોગ તરીકે પંકાયેલા છે તે કારખાનેદારોએ રીઅલ એસ્ટેટમાં ભારે મંદી પછી અને બ્રાસના વપરાશમાં ઘટાડો જોવા મળતા પોતાના ઉદ્યોગને બ્રાસના બદલે સ્ટીલ તેમજ એલ્યુમીનીયમના પાર્ટસ તરફ વાળવા પડયા છે.


-ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધવાથી દેશ-વિદેશમાં માલ મોકલવો મોંઘો બન્યો

હાલમાં જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં સાડા પાંચ હજાર જેટલા બ્રાસ તેમજ અન્ય ઉત્પાદનોના કારખાનાઓ ચાલી રહ્યા છે. અંદાજે દોઢેક લાખ જેટલા શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. બ્રાસના ઉત્પાદન પૈકી એકસપોર્ટની કામગીરી ઘટી ગઇ હોવાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ મંદીની અસર થઇ છે. ડીઝલના ભાડા વધારાના કારણે અન્ય રાજ્યોમાં બ્રાસનો તૈયાર માલ મોકલવો મોંઘો પડતો હોવાથી બ્રાસ ઉદ્યોગને ફટકો પડી રહ્યો છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ કે જે ચાઇના સહિતની વૈશ્ર્વિક મંદીને લઇને બ્રાસનું એકસ્પોર્ટનું ટર્નઓવર પણ ઘટયું છે.

-નોટબંધી જી.એસ.ટી સહિતના કારણે નાના બ્રાસ ઉદ્યોગોને લાગ્યા તાળાં લાગ્યા જેવી સ્થિતિ

બેન્કીંગ ક્ષેત્રે પણ બ્રાસ ઉદ્યોગને ટેકો મળતો હતો તેમાં ઘટાડો થયો છે. અથવા તો નવા કાયદાઓની અમલવારીને લઇને બ્રાસપાર્ટના કારખાનેદારોને જે સીસી લીમીટ મળતી હતી તેમાં ઘટાડો થયો છે અથવા તો પુરતી લોન મંજૂર થતી નથી. જે લોન મંજુર થાય છે તેની સમય મર્યાદા માત્ર 36 મહિના જ રહે છે. ઉપરાંત લોન માટેની સંપૂર્ણ જવાબદારી જે તે બેન્કના મેનેજરની રહે છે. આવા ચોક્કસ કારણોને લઇને ઉપરાંત નોટબંધી પછી રોકડ લેવડ-દેવડના વ્યવહારો ખૂબ જ ઓછા થયા હોવાથી પણ બ્રાસ ઉદ્યોગને ઘણી અસર પડી છે. જેથી અસંખ્ય નાના બ્રાસના લઘુ ઉદ્યોગોને તાળા લાગ્યા જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે,