સગા કાકાની હત્યા નિપજાવનાર ભત્રીજાને આજીવન કેદની સજા

શેખપાટ ગામની હતી ઘટના

સગા કાકાની હત્યા નિપજાવનાર ભત્રીજાને આજીવન કેદની સજા

Mysamachar.in-જામનગર:

જામનગર તાલુકાના શેખપાટ ગામે રહેતા રમેશ નારણભાઈ ગોહિલ નામના યુવકની પત્ની રીસામણે ચાલી ગયેલી હતી. રમેશના લગ્ન સંબંધો તેના કાકા દાનાભાઈ મનજીભાઈએ કરાવી આપેલા હોય, તેથી રમેશે પોતાની પત્નીને તેડી લાવતા તેના દાનાભાઇએ કહેલ હતું પરંતુ દાનાભાઇએ રમેશની પત્નીને તેડી ન લાવતા તે કાકા ઉપર ઉશ્કેરાઈ ગયેલો અને દાનાભાઈ કઈ તારીખ 15/8/2017ના રોજ શેખપાટ ગામે આવેલ તેની વાડીએ રાત્રે રખોપુ કરવા ગયા હતા.

ત્યારે સાડા આઠેક વાગ્યે આરોપી રમેશ ગોહિલ ત્યાં લાકડાના ઘોડા સાથે પહોંચી જઈ તેના સગા કાકા દાનાભાઈ ઉપર બેરહમીપૂર્વક હુમલો કરી માર મારી કુલ ૨૬ ઘા મારેલા, જેથી દાનાભાઈ ગોહિલનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજેલ હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો. ઉપરોકત બનાવ સંબંધે બનાવ વખતે મરનારને ટિફિન દેવા ગયેલ અને બનાવ નજરે જોનાર મરનારના પુત્ર સંજય દાનાભાઈ ગોહિલે તેના સગા મોટા બાપુના દિકરા ભાઈ રમેશ નારણ ગોહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે વકીલ કિરણ બગડા તથા સરકાર તરફે એડી. જી.પી. રાજેશ રાવલે  એવી રજૂઆત કરેલ કે, મરનાર ઉપર હુમલો થતાં સગા દીકરાએ જોયેલ છે અને મરનારે પણ ફરિયાદી રૂબરૂ શા માટે બનાવ બનેલો તેની બધી જ વિગતો જણાવેલ છે, જે મરનારનું ડી.ડી. ગણાય તેમજ ડોક્ટરી પેપર્સમાં પણ આરોપીનું નામ ખૂલેલ છે અને ૨૬ જેટલા ઘા મારી ક્રુરતાપૂર્વક સગા કાકાની હત્યા નિપજાવી નાખેલ છે. આ કેસમાં ચુકાદો આપી કોર્ટે આરોપી રમેશ નારણ ગોહિલને કલમ 302 ના હત્યાના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા તથા રૂપિયા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.