ભાજપના કોર્પોરેટર અને ભુમાફીયાની સાંઠગાંઠ પડી ખુલી 

ગઈકાલે થયેલ ફાયરીંગનો મામલો 

ભાજપના કોર્પોરેટર અને ભુમાફીયાની સાંઠગાંઠ પડી ખુલી 

Mysamachar.in-જામનગર:

જામનગરમા છેલ્લા કેટલાક વર્ષોથી ભૂમાફિયા જયેશ પટેલનું નામ ભારે ચર્ચામાં આવ્યું છે, બિલ્ડર વી.પી.મહેતાની ૧૦૦ કરોડની જમીનની ફરિયાદ બીજા અનેક જમીનોના પ્રકરણમા જયેશ પટેલની સંડોવણી ખૂલવી અને વકીલ કિરીટ જોશી જેવા ચર્ચાસ્પદ હત્યાકેસમાં પણ જયેશ પટેલની સંડોવણી સાથે જામનગરની જમીન પર જયેશ જાણે ડોળો જમાવીને વિદેશમાં બેસીને બધું સમું સુથરું પાર પાડવાની ફિરાકમા હોવાનું લાગે છે, એવામાં ગઈકાલે જામનગર એરફોર્સ ટુ રોડ પર ઓશવાળ કોલોનીમા વસવાટ કરતાં અને મહિલાકોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.પરસોતમ રાજાણીના બંગલાના પાર્કિંગમાં રહેલા કાર પર થયેલ ફાયરીંગની ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ આ ઘટનામાં ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ સંડોવણી ખુલવા પામતા ખળભળાટ મચી જવા પામ્યો છે,


આ ઘટનામાં હકીકતો એવી સામે આવે છે કે પ્રોફેસર રાજાણીએ  ક્રિષ્નાપાર્કમાં આવેલ સર્વે નં.૯૬૧ વાળી જમીનમાં પાડેલ પ્લોટો પૈકીના પ્લોટો દલાલીથી સોદો કરાવી વહેંચાવેલ હોય જે સોદો કેન્સલ કરવા માટે  જયેશ મુળજી રાણપરીયા પ્રોફેસર રાજાણી અને જમીન સાથે જોડાયેલા સાહેદોને અવાર નવાર ફોનમાં ઘમકીઓ આપતા હતા, છતાં પણ ધમકીઓ થી ના ડરીને પ્રોફેસર દ્વારા પ્લોટોનો સોદો કેન્સલ કરેલ ન હોય અને આશરે દસેક દીવસ પહેલા ભગવાનજીભાઇની ઓફીસે મીટીંગ રાખેલ હોય જેમાં ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી એ પોતાના મોબાઇલ ફોનમાંથી જયેશ પટેલ સાથે ભગવાનજીભાઇ ને વાત કરાવેલ હતી ત્યારે જયેશ પટેલએ ફોનમાં જણાવેલ કે આ પ્લોટોનો સોદો કેન્સલ કરો અથવા જો સોદો કેન્સલ ન કરવો હોય તો એક કરોડ રૂપીયા આપવા પડશે જે રૂપીયા અતુલ ભંડેરીને આપી દેવા પણ જયેશ પટેલે જણાવતા ભાજપના નગરસેવક અને ભૂમાફિયાનું કનેક્શન ખુલ્લું થઇ જવા પામ્યું હતું,

 


જયેશે તે દિવસ કહેલ કે રૂપિયા આપી દેજો નહીતર તમને તથા તમારા પરીવારને જીવવા નહી દઉં તેવી ધમકી પણ આપેલ હતી,આમ ફરિયાદી પ્રોફેસરે મન મક્કમ કરીને પ્લોટના સોદાઓ પણ કેન્સલ ના કર્યા અને જયેશે ખંડણીના એક કરોડ રૂપીયા માંગેલા તે પણ આપેલ નહી જેનું મનદુખ અને ખાર રાખી જયેશ મુળજી રાણપરીયા  તથા અતુલ ભંડેરીએ પુર્વ આયોજીત કાવતરુ રચી ત્રણ મો.સા.માં છ અજાણ્યા  માણસો પ્રોફેસર રાજાણીના ઘરે મોકલી તેવોને બીક ભય બતાવવા માટે ઘરની બહાર પડેલ ક્રેટા કારમાં એક રાઉન્ડ ફાયરીંગ કરી કાચ તોડી નાખી તથા ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યાની ફરિયાદ સીટી સી ડીવીઝનમાં નોંધાયા બાદ આ કેસની તપાસ સ્થાનિક ગુન્હા શોધક શાખાને સોંપવામાં આવી છે. પણ આ ઘટનાથી ભાજપના કોર્પોરેટરનો ભૂમાફિયા જયેશ પટેલ સાથેનો ઘરોબો પણ બહાર આવ્યો છે.