ઠંડીએ ધ્રૂજાવ્યા, હવે સૌરાષ્ટ્રમાં અહીં માવઠાની આગાહી

મિશ્ર ઋતુથી ખેડૂતો મૂંજાયા

ઠંડીએ ધ્રૂજાવ્યા, હવે સૌરાષ્ટ્રમાં અહીં માવઠાની આગાહી
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

જામનગર સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધતા જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઇ જેના કારણે લોકોને દિવસ-રાત સ્વેટર પહેરી રાખવાની ફરજ પડી રહી છે. જો કે ઠંડીનું જોર વધવાની સાથે હવામાન વિભાગે કેટલાક સ્થળો પર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે આગામી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થશે અને કેટલાક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં વરસાદ ઝાપટા પડી શકે છે. તો ગુજરાતમાં ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ફરી ચિંતા વધી છે. ચોમાસું પાકમાં પાણી ફરી ગયા બાદ હવે રવિપાકમાં વ્યાપક નુકસાનીની ચિંતા છવાઇ છે. 

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હવામાન વિભાગે કરેલી કોલ્ડવેવની આગાહી સાચી ઠરી છે. સોમવારે જામનગરમાં તાપમાનનો પારો 9.2 સુધી ગગળ્યો હતો, જ્યારે મહત્તમ તાપમાન 23.6 રહ્યું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા રહ્યું હતું.