એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે પોલીસને પણ વળી ગયો 'પરસેવો' !

બે બૂટલેગરની ધરપકડ

એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે પોલીસને પણ વળી ગયો 'પરસેવો' !
તમને દેખાયો દારૂ ?

Mysamachar.in-અમદાવાદઃ

ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા કરતાં વધુ બે બૂટલેગરો દારૂના જથ્થા સાથે પકડાયા છે. જો કે નવાઇની વાત એ છે કે બૂટલેગરોએ પોલીસથી બચવા માટે એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે તેને શોધવામાં પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરો દ્વારા વિવિધ તરકીબો અપનાવવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં બે આરોપી લોડિંગ રિક્ષામાં દારૂની ખેપ મારી રહ્યાં હતા. પોલીસે બંને આરોપીની ધપરકડ કરી વધુ કાર્યવાહી હાધ ધરી છે, જો કે બૂટલેગરોએ એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે હાલ પોલીસબેડામાં પણ આ વાતની ભારે ચર્ચા જાગી છે. 

બનાવની વિગત પ્રમાણે પોલીસને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો લોડિંગ રિક્ષામાં દારૂની ખેપ મારી રહ્યાં છે, જેના આધારે રામોલ પોલીસે રસ્તા પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ રિક્ષા પસાર થતા તેની અટકાયત કરી ચેકિંગ કર્યું હતું. પ્રાથમિક દ્રષ્ટીએ આ રિક્ષા ખાલી હોવાનું જણાઇ આવતા પોલીસ ટીમને થયું કે બાતમી ખોટી હશે, પરંતુ બાદમાં સઘન તપાસ કરતાં આ રિક્ષાની બંધ બોડીના પતરામાં ગુપ્ત જગ્યા બની 151 બોટલ દારૂ સંતાડવામાં આવ્યો હતો.  બાદમાં પોલીસે આ રિક્ષા લઇને આવેલા  તોસિફ કલાલ અને ઈનાયત જેસડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.  બંને આરોપીઓ દારૂનો જથ્થો મંગાવી વેચતા હતા. પરંતુ આ આરોપીઓ દારૂ ક્યાંથી લઈને આવ્યા હતા અને કેટલા સમયથી વેચી રહ્યાં હતાં તેની તપાસ કરવામાં આવી રહી છે.