જમીનમાંથી સોનું શોધી આપતાં બે જ્યોતિષો વચ્ચે ખેલાયો ખૂંની ખેલ

આરોપીઓ જેલ હવાલે

જમીનમાંથી સોનું શોધી આપતાં બે જ્યોતિષો વચ્ચે ખેલાયો ખૂંની ખેલ

Mysamachar.in-નવસારીઃ

જમીનમાં છૂપાયેલું સોનું શોધી આપવાની જ્યોતિષ વિદ્યાના જાણકાર નવસારીના બે જ્યોતિષો વચ્ચે ખૂની ખેલ ખેલાયો, જેમાં એક જ્યોતિષે પોતાના સાથીદારોની મદદથી અન્ય જ્યોતિષનું ચાકુ વડે ઢીમ ઢાળી દીધું. એટલું જ નહીં હત્યા બાદ લાશને જમીનમાં દાટી દીધી હતી. નવસારીના ગણદેવી તાલુકાનાં દેવધા ગામે રહેતાં ૬૭ વર્ષિય ભરત નાયક જ્યોતિષ વિદ્યાના જાણકાર હતા, તેઓ બીલીમોરાના જ્યોતિષ વિમલ પટેલ અને સાગર પટેલ સાથે મળીને જમીનમાં છૂપાયેલા સોનાની શોધ કરવાની જ્યોતિષ વિદ્યાનું કામ કરતાં હતા. આ દરમિયાન ભરત નાયક પાસેથી વિમલ પટેલે ત્રણ લાખ રૂપિયા લેવાના નિકળતા હતા, ઘણો સમય થઇ જતાં પૈસા પરત ન મળતાં 31મી ડિસેમ્બરે વિમલ અને સાગરે ભરત નાયકને ગણદેવી ચાર રસ્તે બોલાવી અપહરણ કર્યું હતું. બાદમાં ચીખલીના બારોલીયા ગામની અવાવરુ જગ્યાએ લઇ જઇ રૂપિયાની લેતી-દેતી મામલે ઝઘડો કરી વિમલ અને સાગરે તેમની પાસેના ધારદાર ચપ્પુથી ભરત નાયકને રહેંસી નાખ્યો. એટલું જ નહીં હત્યા બાદ પુરાવાનો  નાશ કરવા લાશને ત્યાં જ જમીનમાં દાટી દીધી હતી. 

હત્યા નીપજ્યા બાદ આરોપી વિમલ સમગ્ર ઘટનામાં સામેલ ન હોવાનું બતાવવા માટે ૩૧ ડિસેમ્બરની બપોરે ભરત નાયકના ઘરે પણ તેમની પૃચ્છા કરવા ગયો હતો. મોડી સાંજે ભરતના પુત્ર પર તેમનું ૩ લાખ રૂપિયાને લઇ અપહરણ થયું હોવાનો મેસેજ આવતાં ચિંતિત પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો પત્તો ન લાગતા મંગળવારે ગણદેવી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ આપી હતી. ફરિયાદ બાદ સમગ્ર કેસનો પોલીસે ગણતરીની કલાકોમાં જ પર્દાફાશ કરી આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કેસમાં પોલીસને મહત્વના સીસીટીવી હાથ લાગ્યા હતા, જેમાં છેલ્લે મૃતક ભરત નાયક, વિમલ અને અન્ય એક વ્યક્તિ સાથે બાઇક પર બેસી જતાં જણાયા હતા. પોલીસે ફૂટેજના આધારે પહેલા શંકાસ્પદ વિમલ અને અન્ય એક શખ્સની અટકાયત કરી, બાદમાં આકરીઢબે પુછપરછમાં સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપી વિમલ અને સાગરને સાથે રાખી ઘટનાનું રીકકન્ટ્રકશન કર્યું હતું.