જામનગરમાં સામે આવ્યું વધુ એક કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ 

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો દરેક માટે ચેતવા જેવી છે.

જામનગરમાં સામે આવ્યું વધુ એક કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ 
symbolic image

Mysamachar.in-જામનગર:

જામનગર અને જમીનકૌભાંડ જાણે એકબીજાનો પીછો ના છોડતા હોય તેમ દર થોડા દિવસે જીલ્લામાં ક્યાંક ને ક્યાંક જમીન કૌભાંડો સામે આવતા જ રહે છે, એવામાં આજે વધુ એક જમીન કૌભાંડની ફરિયાદ સામે આવી છે, જેમાં કરોડોની જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડનાર છ શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ તપાસ એલસીબીને સોંપવામાં આવી છે, વાત એવી છે રણજીતસાગર રોડ પર વસવાટ કરતા  પરસોતમભાઇ કાબાભાઇ વીરાણી સહિતનાઓની  જમીન પચાવી પાડવા માટે દલાલ મારફત સવદાસ ચાવડા પરસોતમભાઈ પાસે પહોચ્યા હતા અને તમારી જમીન અમારે લેવી છે, તેમ કહી ફરિયાદી તેમજ જમીનમાં અન્યની માલિકી છે તેના આધારો અને ફોટાઓ લઇ લીધા હતા, અને ૫૧૦૦૦ રૂપિયા સુથી પેટે આપ્યા હતા, જે બાદ આ જમીન પચાવી પાડવાના ઈરાદે સમગ્ર કૌભાંડ રચીને બોગસ દસ્તાવેજ બનાવ્યાનું ફરિયાદીને સામે આવતા તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી,

જે બાદ ફરિયાદી જીલ્લાપોલીસવડા પાસે પહોચતા શરદ સિંઘલે એલસીબીને આ મામલે ફરિયાદ લેવાનો આદેશ કર્યો હતો, પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવે છે કે ફરિયાદી દ્વારા જે ડોક્યુમેન્ટની નકલો અને ફોટાઓ આપવામાં આવ્યા હતા, તેના પરથી સહીઓ સ્કેન કરીને બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે, આરોપી ભરત ભગવાનજી ડવ રાજકોટ  અને સવદાસ ચાવડા  તથા તેના સાગરીતોએ આશરે ૧૫૪ વિઘા જમીન જે ચંગા ગામ નજીક આવેલ છે જેની કિમંત અંદાજે ૨૨ કરોડ જેટલી હોય તે કીંમતી જમીન પડાવી લેવાનુ ગુન્હાહીત કાવત્રુ રચી ષંડયંત્રના ભાગરૂપે  એકબીજા સાથે મીલાપીપણુ કરી કિશોર ઉર્ફે છોટુ મારાજ ક્રિપાલસિંહ, હરેશ છેયા, એ  જુલાઇ માસ તથા તા. ૨૨/૭/૧૯ ના રોજ દરેડ ખાતેના જમીન માલિકના કારખાને થી ફોટા અને આધારોની નકલો મેળવીને તમામની ખોટી સહીઓ તથા ખોટા અંગુઠાનું નિશાન કરી ઠગાઇ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજ બનાવ્યાનું સામે આવતા પોલીસે IPC કલમ ૧૨૦બી, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી જમીન કૌભાંડીઓને ઝડપી પાડવા તપાસ આગળ ધપાવી છે.