શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશોત્સવ પંડાલોના આયોજકોના સન્માન સમારોહ યોજાયો.

શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશોત્સવ પંડાલોના આયોજકોના સન્માન સમારોહ યોજાયો.

Mysamachar.in-જામનગર:

જામનગરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓમાં કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ(બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરમાં ઉજવાયેલા ગણેશ મહોત્સવના આયોજકો અને કાર્યકર્તાઓનું સન્માન કરવાનો સમારોહ ભક્તિરસભર ઉત્સાહભર્યા માહોલમાં સંપન થયો હતો. જામનગર શહેરમાં આયોજિત ગણેશ મહોત્સવોના પંડાલોના આયોજકોના સન્માન સમારોહમાં 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ, મોટી હવેલીના પૂ.પા.ગો.વલ્લભરાયજી મહોદય, સ્વામી નારાયણ સંપ્રદાયના મહંત ચત્રભુજદાસજી મહારાજ તેમજ ગીતા વિધાલય અને બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો.કિશોરભાઇ દવે,”નોબત” ના તંત્રી પ્રદિપભાઇ માધવાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, વિધોતેજક મંડળના માનદમંત્રી હસમુખભાઇ વિરમગામી, જામનગર વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઇ તન્ના, સિડ્ઝ એંડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશનના મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠા, ખબર ગુજરાતનાં મંત્રી નિલેશભાઇ ઉદાણી, ગુડ ઈવનીંગના તંત્રી ધર્મરાજસિંહ જાડેજા, લોકવાત દૈનિકના પૃથ્વીરાજસિંહ ચૌહાણ, જામનગર ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગણેશજીની આરતી સાથે સમારંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટનાં ટ્રસ્ટી જીતુભાઈ લાલે સૌનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યુ હતું કે ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિના સ્થાને માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી ગણેશોત્સવની ઉજવણી કરવા ગત વર્ષે કરવામાં આવેલી અપીલને જામનગરના ગણપતિ ઉત્સવના આયોજકોએ માન આપ્યું છે અને આ વર્ષે તેમાં મહદ અંશે સફળતા મળી છે. આવતા વર્ષે પીઓપીની મુર્તિ સદંતર બંધ થાય તેવી અપેક્ષા તેમને વ્યક્ત કરી હતી. પ્રદૂષણ મુકત ભારતના નિર્માણ માટે ઇકો-ફ્રેન્ડલી માટીની મુર્તિ સાથે ઉત્સવ ઉજવવા બદલ તેમણે સૌના સહકાર બદલ આભાર માન્યો હતો. આ વર્ષે બાલાચડીના દરિયામાં મુર્તિ વિસર્જન સમયે બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો તેનો ઉલ્લેખ કરતાં જીતુભાઈ લાલે જણાવ્યું કે ભવિષ્યમાં આવી કોઈ કમનસીબી ઘટના ન બને તેવું આયોજન જરૂરી છે. ધાર્મિક માન્યતા અને આસ્થાને બાજુમાં રાખી સાચી શ્રધ્ધાથી ભક્તિ પૂજા કરો અને વિસર્જન કરો. કૃત્રિમ કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે પોતાના ઘરે ઉજવાયેલ ગણેશ ઉત્સવનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ઘરમાં માટીના ગણેશજીનું સ્થાપન કરી તેનું ઘર આંગણે જ પાણીના ટબમાં વિસર્જન કરી ત્યાં ગુલાબનો છોડ રોપ્યો છે. આવતા વર્ષોમાં ટ્રસ્ટનાં પ્રયાસોમાં સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો.

ગીતા વિધાલય અને બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી ડો.કિશોરભાઇ દવેએ બે મુખ્ય વાત કરી હતી. એક તો સારું કાર્ય કરનારનું સન્માન કરવું તે ઉતમ પ્રેરણારૂપ સેવાકાર્ય જ છે અને બીજી વાત જીવ ગુમાવવો પડે તેવી દુર્ઘટના ઉત્સવના આયોજનમાં ન થાય તેની તકેદારી રાખવાની જરૂર છે. ઉત્સવ દરમ્યાન વિધ્નહર્તા ગણેશજી સમક્ષ પ્રાર્થના કરો કે ઉત્સવ હેમખેમ પાર પડી જાય. સારા કાર્યમાં સફળતા મળે તે માટે ગણપતિને પ્રાર્થના કરવામાં આવે છે. આ માટેના સ્લોકમાં સુધારો કરવાની તેઓએ હિમાયત કરી હતી. ટ્રસ્ટની પ્રવૃતિઓ વધુ ફુલેફાલે તેવી પ્રાર્થના સાથે તેમણે લાલ પરિવારને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.

વિધોતેજક મંડળના માનદમંત્રી હસમુખભાઇ વિરમગામીએ ગણેશોત્સવનો આરંભ આઝાદીની લડાઈ સમયે જનજાગૃતી અર્થે લોકમાન્ય તિલકે કરાવ્યો તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે એચ.જે. લાલ ટ્રસ્ટ જામનગર શહેર અને જીલ્લામાં વધુને વધુ સેવાકિય પ્રવૃતિઓ કરે અને આ સેવાભાવી પરિવાર ની પ્રતિષ્ઠા વધુ પ્રભાવશાળી બનાવે તેવી પ્રાર્થના સાથે અને શુભેચ્છા પાઠવી હતી. જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં સતત સેવાકાર્યો કરવાનો વર્ષો લાલ પરિવારને પિતા બાબુભાઇ લાલ તરફથી મળેલ છે. અને લાલ પરિવારે આ વારસાને સફળતાપૂર્વક સતત જીવંત રાખ્યો છે ઈશ્વર આ પરિવારને જાજુ આપે અને વધુ ને વધુ લોક ઉપયોગી કર્યો કરે તેવી પ્રાર્થના સાથે લાલ પરિવારને અભિનંદન આપ્યા હતા.

ટ્રસ્ટનાં મેનેજીગ ટ્રસ્ટી અશોકભાઇ લાલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે સારી લક્ષ્મીજીનું સાચા અને સારા કાર્યોમા જ ઉપયોગ કરી શકાય છે તેમણે સંતો-મહંતો ની ઉપસ્થિતિમાં ભાવપૂર્વક ઉદગારો કાઢયાકે હે કુદરત, મારા પરિવાર માં મારા ઘરમાં શુધ્ધ લક્ષ્મીજી જ આવે તેવી પ્રાર્થના કરું છું જેથી અમો સત્કાર્યોમાં તેનો ઉપયોગ કરી શકયે કોઈ આફત આવે ત્યારે તેની સામે લડવાનો મોકો આવે અને લોકોની વ્હારે ચડવાનો અવસર આવે ત્યારે સહયોગ સેવા યોગદાન આપો તે જ સાચી કસોટી અને પડકાર છે અમારો પરિવાર જે કરે છે તે ફૂલ નહીં ફૂલની પાખડી સમાન છે ઈશ્વર વધુ લોકસેવા કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી હતી ગણેશોત્સવની ઉજવણી અંગે તેમણે સૌને અપીલ કરી હતી કે કોઈ જાનહાનિ ન થાય પર્યાવરણને નુકશાન ન થાય તેવી રાતે વિસર્જન કરીએ તો ઉત્સવ સફળથયો ગણાશે જામનગર ની જનતાને પાણી આપવાના સેવાકાર્ય અંગે તેમણે જણાવ્યું હતું કે પાણીતો કુદરતે આપ્યું છે અમે તો  માત્ર નિમિત બનીએ છીએ. જામનગરની જનતા પર કોઈ વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના કરું છું તેમ છાતા જ્યારે પણ જરૂર પડશે ત્યારે લાલ પરિવાર અને અમારું ટ્રસ્ટ લોકોની પડખે રહેવામાં મોખરે રહેશે સંતો મહંતો અને વડીલોના સૂચનોને માથે ચડાવી તેને આશિર્વાદ સમજી સેવાકાર્યો કરીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કાર્યો હતો.

સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે તેમના ઉદબોધનમા જણાવ્યું હતું કે એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં આયોજકોને પ્રોત્સાહિત કરવાનું સેવા કાર્ય કરી રહ્યા છે તેના કારણે સમાજમાં ધાર્મિક કાર્યનો વ્યાપ વિસ્તરી રહ્યો છે તેમણે માટીની ગણેશજીની મુર્તિ બનાવવા અનુરોધ કાર્યો હતો જે અનેક રીતે ફાયદાકારક છે. સારા કાર્યોમાં આવતા વિઘ્નો દૂર કરનાર દેવ ગણેશ ભગવાન છે. ખરાબ કાર્યોમાં પ્રભુનો સહકાર મળેજ નહીં. ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં મર્યાદા અને પ્રમાણિક્તા જરૂરી છે નહિતર દેવી-દેવતાઓ પરચો આપેજ છે. ઉત્સવોની પરંપરા જળવાય તે જરૂરી છે. અને તેમાં શ્રધ્ધાથી પૂજા પ્રાર્થના કરોતો સફળતા મળશે. તેમણે ધાતુની મૂર્તિનું સ્થાપન કરવા પણ સૂચન કર્યું હતું. જેનાથી થતાં સમસ્યાઓ ઉકેલાઈ જશે તેમણે લાલલ પરિવારના સેવાકાર્યોને એક અલગ અંદાજમાં બિરદાવતા જણાવ્યું હતું કે લાલ પરિવાર પાણીદાર પરિવાર છે અને આ પરિવાર જ પાણી આપી શકે. મોટી હવેલીના ગોસ્વામી પૂ. વલ્લભરાજી મહોદયે જણાવ્યું હતું કે ગણેશોત્સવની ઉજવણીમાં સ્થાપનમાં વાંધો નથી ઉજવવામાં વાંધો નથી વાંધો માત્ર વિસર્જનમા જ છે. જો સોના-ચાંદીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે તો વિસર્જન કે પાણીમાં પધરાવવાનું મન જ નહીં થાય ધાતુની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે તો તમામ પ્રશ્નો ઉકેલાઈ જાય.

5-નવતનપુરી ધામ, ખીજડા મંદિરના આચાર્ય ક્રુષ્ણમણીજી મહારાજે પ્રાસંગીક સંબોધન કરતાં જણાવ્યું હતું કે લાલ પરિવાર અને ટ્રસ્ટનાં સેવાકાર્યોની સુવાસ ચોમેર ફેલાયેલી છે તેમણે વડીલ વંદના રથનું ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે કામ નાનું છે પણ સેવા બહુ મોટી છે. એચ.જે. લાલ ટ્રસ્ટ સમાજના ભલા માટે નાનામાં નાની બાબતો પ્રત્યે ધ્યાન રાખીને તમામ ક્ષેત્રોમાં સેવા કાર્યો કરે છે. બધાનું ભલું વિચારે સૌ સુખી નિરોગી રહે તેવી સંસ્કૃતિ અને પરંપરા છે. આ મહત્વની પરિભાષાને ધ્યાનમાં રાખીને દરેક ધાર્મિક કાર્ય સેવાકાર્ય કરવાથી સૌનું કલ્યાણ થશે દરેક ધાર્મિક ઉત્સવો નું હાર્દ સમજવાની જરૂર છે. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાઓના પ્રેરક પ્રવચનો પછી જામનગરમાં વિવિધ વિસ્તારો લતાઓ શેરીઓ સર્કલો તથા એપાર્ટમેન્ટમા ગણેશ મહોત્સવના આયોજન કરનારા આયોજકો કાર્યકરો નું મોમેન્ટો આપી સન્માન મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત એચ.જે. લાલ(બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ પરિવારના અશોકભાઇ લાલ, જીતુભાઈ લાલ, મિતેશભાઈ લાલ, ક્રિષ્નરાજભાઈ લાલ, વિરાજભાઈ લાલ, દર્શનભાઈ લાલ, ઉપરાંત ભૂમિ દૈનિક પરિવારના ગિરીશભાઈ ગણાત્રા, તેમજ ટ્રસ્ટનાં સલાહકાર રમેશભાઈ દતાણી, ભરતભાઇ મોદી, મનુભાઈ હરિયાણી, તેમજ ટ્રસ્ટનાં સહયોગીઓ પ્રફુલ્લભાઇ મેહતા, અજયભાઈ કોટેચા ના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જામનગરના અગ્રણીઓ વેપાર ઉધયોગ  ક્ષેત્રેના આગેવાનો તથા સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો તેમજ શહેરના પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને ફોટો ગ્રાફરો તેમજ લાલ પરિવારના શુભેચ્છકો અને સહિયોગીઓ અને આમંત્રિત ગણેશ પંડાલના આયોજકો કાર્યકરો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.