215 દાતાએ પ્લાઝમાનું દાન કરતા પ્લાઝમાં થેરાપીથી 390 કોરોનાના દર્દીઓએ લીધી હતી સારવાર

પ્લાઝમા ડોનેશન મેળવવાથી દર્દીની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે

215 દાતાએ પ્લાઝમાનું દાન કરતા પ્લાઝમાં થેરાપીથી 390 કોરોનાના દર્દીઓએ લીધી હતી સારવાર

Mysamachar.in-જામનગર

જી.જી.હોસ્પિટલની જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ દ્વારા પ્લાઝમાં થેરાપીથી 390 દર્દીઓને સારવાર અપાઈ હતી. પ્લાઝમાં થેરાપીથી દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો થતો હોય છે. પ્લાઝમા થેરાપીથી કોરોનાગ્રસ્ત દર્દીની સારવારની મુખ્ય જવાબદારી જે વિભાગ ઉપર હોય છે તેવા મેડિસિન વિભાગના વડા ડો.મનિષ મહેતા કહે છે કે રકતદાનની જેમ જ પ્લાઝમાંનું દાન કોરોના જેમને મટી ગયો હોય તેવી વ્યકિત કરી શકે છે. તંદુરસ્ત માનવ શરીરમાં આશરે 45 ટકા રકતમાં કણો અને આશરે 55 ટકા પ્રવાહી(પ્લાઝમા)ના રહેલા છે. પ્લાઝમામાં 92 ટકા પાણી હોય છે, 8 ટકા મીનરલ્સ-એન્ટીબોડી હોય છે. કોઇપણ વ્યકિત કે જેને કોરોનાનો ચેપ લાગ્યો હોઇ અને સાજા થયા બાદ આઇજીજી પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન થઇ હોઇ એ વ્યકિત પ્લાઝમાંનુ દાન 21 થી 28 દિવસ પછી કરી શકે છે.

પ્લાઝમાનું દાન કોણ કરી શકે એ વિશે કોવિડના રિજિનલ નોડલ ઓફિસર ડો. એસ.એસ.ચેટર્જી કહે છે કે, 18 થી 65 વર્ષની વ્યકિત કે જેમને તાવ-ખાંસીના લક્ષણો સંક્રમણ દરમિયાન હતા અને વજન 50 કિલોથી વધુ હોઇ, હિમોગ્લોબીન 12.5 ગ્રામ થી વધુ, પ્રોટીનનું પ્રમાણ 6 ગ્રામ હોવું જોઇએ. તેમજ લોહીથી ફેલાતા રોગો ભૂતકાળમાં ન હોવા જોઇએ. દર પંદર દિવસે પ્લાઝમાં ડોનેટ કરી શકાય છે. પ્લાઝમાં ડોનર પાસેથી એકવારમાં 500 મિલી પ્લાઝમાં લેવામાં આવે છે. જે કોરોનાગ્રસ્ત દર્દીનું ઓકિસજન લેવલ 93 ટકાથી ઓછું રહેતું હોઇ, વેન્ટિલેટર ઉપર હોઇ તેમને પ્લાઝમાં થેરાપીથી સારવાર કરવામાં આવે છે. કોન્વોલેસન્ટ પ્લાઝમામાં રહેલ એન્ટીબોડી હાલ કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરતાં દર્દીની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

જિલ્લાકક્ષાની કોવિલ હોસ્પિટલના નોડલ અધિકારી ડો.ભુપેન્દ્ર ગોસ્વામી કહે છે કે જે દર્દીઓને કોરોના થાય કે તરત જ જો પ્લાઝમા થેરાપીથી સારવાર આપીએ તો તેને આ સારવાર ખૂબ લાભકારક રહે છે. તેવુ અમે આ થેરાપીથી સારવાર દરમિયાન અનુભવ્યું હતું. મેડીસીનના સિનિયર ડો.મહેજબિન હિરાની કહે છે કે, 390 દર્દીઓને પ્લાઝમા થેરાપી આપી હતી. એટલે સરેરાશ સમજો કે એક દિવસની એક દર્દીની જો પ્લાઝમાની સારવાર ગણીએ તો 390 દિવસ સુધી એટલે કે એક વર્ષથી પણ વધુ સમય થાય. છેલ્લા 10 મહિનામાં અમારા મેડિસિનના તબીબોએ 390 દર્દીઓ ઉપર આ નવી સારવારનો સફળ ઉપયોગ કરી કોરોના દર્દીઓને સાજા કરી શક્યા છીએ.

કોરોનાની મહામારીને નાથવાના સ્વાચ્ય યજ્ઞમાં બ્લડબેંકનું અનોખું યોગદાન પ્લાઝમાનું દાન બ્લડ બેંકમાં કરવામાં આવે છે પ્લાઝમાનું દાન જી.જી. હોસ્પિટલની સરકારી બ્લડ બેંકમાં કરવામાં આવે છે. ટ્રાન્સફયુશન મેડિસિન વિભાગના પ્રો. અને વડા તથા બ્લડ બેંકના વડા ડો.જીતેન્દ્ર વાછાણી છે. તેમજ આ જ વિભાગના એસોસીએટ પ્રો.ડો.શ્વેતા ઉપાધ્યાય છે. આ બંનેના માર્ગદર્શન અને વડપણ હેઠળ પ્લાઝમા ડોનેટની સુવ્યવસ્થિત કામગીરી બ્લડ બેંકમાં કરવામાં આવી રહી છે. જેથી કોવિડના દર્દીઓને પ્લાઝમા થેરાપીથી સફળતાપૂર્વક સારવાર આપી શકાઇ છે. આ ઉપરાંત બ્લડબેન્ક ઓફિસર પિયુષ ચુડાસમા તેમજ રેસિડન્ટ ડોકટર્સની ટીમ દ્વારા કોવિડના દર્દીઓની પ્લાઝમાની તમામ જરૂરિયાત પૂરી પડે એવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બ્લડ બેંકના તબીબોના માર્ગદર્શન હેઠળ યોગ્ય દર્દીઓ પાસેથી પ્લાઝમાનું દાન મેળવી જરૂરિયાતવાળા દર્દીઓને પ્લાઝમા આપવામાં તો આવે જ છે જ પરંતુ તે ઉપરાંત તેઓ તમામ પ્લાઝમા દાતાઓના તમામ શારીરિક પરિક્ષણ કરવા ઉપરાંત નામ-સરનામા સહિતનો રેકોર્ડ પણ રાખે છે, જેથી જરૂર પડ્યે આ દાતાઓનો ફરીથી લાભ લઇ શકાય. આ ઉપરાંત તેઓ અન્ય દર્દીઓને દાન કરવા પ્રેરિત કરે છે. બ્લડ બેંક આ કાર્યનો વ્યવસ્થિત પ્રચાર પણ કરે છે. આમ કોરોનાની મહામારીને નાથવાના આ સ્વાચ્ય યજ્ઞમાં બ્લડ બેંકે એ પોતાનું અનોખું યોગદાન આપ્યું છે,

આ વિશે ડો.જીતેન્દ્ર વાછાણી કહે છે કે કોવિડની સારવાર માટે કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓનું પ્લાઝમા મદદરૂપ થાય છે એવી ગાઈડલાઈન આવતા જી.જી.હોસ્પિટલની બ્લડબેન્ક તરફથી એ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવેલી. કોવિડ રિકવરી થયેલા દર્દીઓની માહિતી પરથી કાઉન્સેલર એમને ફોન કરી, એમની તબિયત પૂછી, જેઓ સ્વસ્થ હોય એમને પ્લાઝમા ડોનેશન માટે સમજાવતા હતા. ત્યારબાદ પ્લાઝમા ડોનેશન અંગે લોકજાગૃતિ આવતા અત્યાર સુધી કુલ 215 ડોનર્સ દ્વારા પ્લાઝમા ડોનેશન અમારી બ્લડ બેંકમાં કરવામાં આવ્યું હતું. જેનાથી કોરોનાના 390 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યું હતું.

ડો.શ્વેતા ઉપાધ્યાય કહે છે કે, પ્લાઝમા ડોનેશન ઓટોમેટિક એફેરેસિસ મશીન દ્વારા અથવા મેન્યુઅલી રક્તમાંથી પ્લાઝમા છૂટું પાડીને કરી શકાય છે. એફેરેસિસ પ્લાઝમાં 400-500 મિલી જેટલું જેમાંથી ૨ દર્દીઓને પ્લાઝમા આપી શકાય છે, આ રીતે દાન કરનાર દાતા 15 દિવસ બાદ ફરીથી પ્લાઝમા ડોનેટ કરી શકે છે.