200 અને 500ની ચલણી નોટો તો છાપી નાખી..2000 ની છાપેતે પૂર્વે પોલીસને ખબર પડી ગઈ

બેકારીથી કંટાળ્યા આ બે યુવકો અને ઘરે જ નકલી ચલણી નોટો છાપવાનું કર્યું ચાલુ

200 અને 500ની ચલણી નોટો તો છાપી નાખી..2000 ની છાપેતે પૂર્વે પોલીસને ખબર પડી ગઈ

Mysamachar.in-અમદાવાદ

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લૉકડાઉન બાદ ધંધા-રોજગાર પર એવો મંદીનો માર પડ્યો કે કેટલાય લોકો બેરોજગાર થયા છે અને પરિવારોની સ્થિતિ કફોડી બની રહી છે, પરંતુ લૉકડાઉનના સમયમાં અમદાવાદના બે યુવકોએ કમાણીનું એવું તો માધ્યમ બનાવ્યું અને પોલીસના સકંજામાં આવી ગયા, બન્ને યુવકો ઘરે બેઠા નકલી ચલણી નોટો છાપી અને બજારમાં ફરતી પણ કરી જોકે આ બાબત પોલીસથી છાની ના રહી અને  ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી બે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે ઉદય પ્રજાપતિ અને મીત પ્રજાપતિ નામના મૂળ પાટણના વતની એવા આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ થલતેજના સંજય એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા હતા. બંને યુવકો બનાવટી ચલણી નોટો છાપી રહ્યા છે તેવી માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે તેમના ઘરે રેડ કરી હતી. જેમાં કુલ 2,09,601 રૂપિયાની બનાવટી ચલણી નોટો અને નોટો છાપવાનું પ્રિન્ટર મશીન પણ કબજે કરવામાં આવ્યુ છે.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે શરૂઆતમાં નોટો છાપી બજારમાં વટાવી પણ છે. જેમાં સફળતા મળતા વધુ નોટો છાપી હતી. બનાવટી નોટો સાથે ઝડપાયેલા ઉદય અને મીત બંને ગ્રેજ્યુએટ થયેલા છે અને હાલમાં બેકાર હતા માટે બનાવટી નોટો છાપતા હતા. સાથે સાથે તેમના ઘરેથી આઠ દારૂની બોટલ અને 10 બિયર મળી હતી. એટલે કે તેઓ દારૂનું પણ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. ઉદય અને મીતે માત્ર 200 અને 500 રૂપિયાની નોટો છાપી સંતોષ માન્યો ન હતો. બનાવટી નોટો આસાનીથી બજારમાં જતી રહેતી હોવાથી તેઓએ બે હજારના દરની નોટો છાપવાનું નક્કી કર્યું હતું અને તે માટે 2000ની નોટ સ્કેન કરી પ્રિન્ટિંગ પણ કરવાના હતા. જોકે તેઓ વધુ નોટો છાપે અને દેશનું અર્થતંત્ર ખોખલું થાય તે પૂર્વે જ પોલીસે તેને ઝડપી પાડ્યા છે.