Mysamachar.in-અમદાવાદ
મારી 11 વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ 7માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે.’ આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના.
ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટરને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. આજે ફ્લોરા તથા તેના આખા પરિવારે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક દિવસ માટે ફ્લોરાના કલેક્ટર બનવાના સ્વપ્નને સાકાર થતા જોયુ. સરગાસણમાં રહેતી ફ્લોરાને જિલ્લા કલેક્ટરની ગાડીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં લાવવામાં આવી હતી. જ્યાં દરવાજે તેને ગાર્ડ ઓફ ઓનર અપાયું અને ત્યાંથી ફ્લોરાને સીધી જ જિલ્લા કલેક્ટરની ચેમ્બરમાં લઈ જવાઈ. જિલ્લા કલેક્ટરએ સ્વયં ફ્લોરાને કલેક્ટરની ખુરશી પર બેસાડીને ફ્લોરાની ઇચ્છાપૂર્તિ કરી. ફ્લોરાના ચહેરા પર પણ સ્મિત રેલાયુ હતુ.
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગત મળી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરી તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો. આવતા સપ્તાહે તેનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કલેકટરની હાજરીમાં કેક કાપવામાં આવી. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની ગિફ્ટ અને ચોકલેટ પણ આપવામાં આવી હતી. ફ્લોરાની માતા સોનલ આસોડિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, તેમની દીકરીની હકીકતમાં ભલે IAS બનવાની ઇચ્છા પૂરી નથી થઈ, પરંતુ પ્રતીકાત્મક સ્વરૂપે કલેકટરની ચેર પર જોઈ ખુશી થઈ અને ગર્વ મહેસુસ થયો.


























































