લાલચ બુરી બલા, 16 હજારમાં ઓનલાઈન એક્ટીવા ખરીદવાના ચક્કરમાં યુવકે ગુમાવ્યા....

ચેતવા જેવો છે કિસ્સો

લાલચ બુરી બલા, 16 હજારમાં ઓનલાઈન એક્ટીવા ખરીદવાના ચક્કરમાં યુવકે ગુમાવ્યા....
symbolic image

Mysamachar.in-વડોદરા

આજના સમયમાં સાઈબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે જો સાવચેતી રાખવામાંના આવે તો કોઈપણ વ્યક્તિ તેનો શિકાર બની શકે છે, ખાસ કરીને ઓનલાઈન સાઈટો પર સસ્તા ભાવે વસ્તુ ખરીદવાની લાલચ બુરી બલા સાબિત થઇ શકે છે, આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે  જ્યાં સસ્તા ભાવે એકટીવા ખરીદવા જતા યુવકને 1.61 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે ગાયત્રીનગર સોસાયટીમાં દિપક શર્મા પરિવાર સાથે રહે છે. અને અભ્યાસ કરે છે. દિપકને એક્ટીવા ખરીદવું હોવાથી તે સોશિયલ સાઇટ પર ઉપર નજર રાખતો હતો. દરમિયાન રૂપિયા 16 હજારની કિંમતનું એક્ટીવા વેચાણ આપવાનું હોવાનું સોશિયલ સાઇટ ઓ.એલ.એક્સ. પર આવ્યું હતું. આથી તેણે એક્ટિવા ખરીદવા માટે સાઇટ ઉપર કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન દિપક શર્માના મોબાઇલ પર ફોન આવ્યો હતો. જેમાં ભેજાબાજોએ વિવિધ બહાનાઓ બતાવી આર્મી પોસ્ટ એકાઉન્ટ નંબર બેંકનું નામ એરટેલ ઉપર રૂપિયા 2 હજાર રૂપિયા, 5999 રૂપિયા, 9999 રૂપિયા 6999 રૂપિયા, 2999 રૂપિયા અને 19,999 મળીને કુલ રૂપિયા 47,995, તેમજ બીજા આર્મી પોસ્ટ એકાઉન્ટ નંબર ઉપર 29998 રૂપિયા, 29998 રૂપિયા, 17330 રૂપિયા, 11000 રૂપિયા, 11000 રૂપિયા, 14000 રૂપિયા મળીને કુલ રૂપિયા 1,13,296 ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ બંને એકાઉન્ટ દ્વારા કુલ રૂપિયા 1,61,291 ટ્રાન્સફર કરાવ્યા હતા. દિપકે રૂપિયા 16 હજારની કિંમતનું એક્ટીવા ખરીદવા માટે રૂપિયા 1.61 લાખ ભેજાબાજોએ જણાવેલા એકાઉન્ટમાં જમા કરાવ્યા પછી પણ એક્ટીવા મળી ન હતી. અંતે દિપકને પોતે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની જાણ થતાં તેણે અલગ-અલગ મોબાઇલ ફોન નંબર પર ફોન કરનાર બે ભેજાબાજો સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.