યુવકે યુવતીના નામે ફેક આઈડી બનાવી બ્લેકમેલીંગ કરવાનું શરુ કર્યું

સોશ્યલ મીડિયાના દુરુપયોગનો કિસ્સો

યુવકે યુવતીના નામે ફેક આઈડી બનાવી બ્લેકમેલીંગ કરવાનું શરુ કર્યું

Mysamachar.in-મહેસાણા

સોશ્યલ મીડિયાના સદુપયોગ કરતા દુરુપયોગના કિસ્સાઓમાં ઉતરોતર વધારો થવા લાગ્યો છે, અને આવો દુરુપયોગ કેટલાક લોકો માટે મુસીબત બની જાય છે, સોશ્યલ મીડિયાના માધ્યમથી કેટલાક લોકો ઘણા ખરા યૂઝરનો ડેટા ચોરી કરે છે તો કેટલાકની સાથે છેતરપિંડી પણ કરે છે. સોશ્યલ મીડિયામાં લોકો યુવતીઓના નામે એકાઉન્ટ બનાવી યુવાનોને પણ ઠગે છે અને ક્યારેક ક્યારેક તો યુવાનો માત્ર સારી યુવતીનો ફોટો જોઇને તેમની સાથે વાર્તાલાપ કરવા લાગે છે અને મોટી મુશ્કેલીમાં મૂકાવવાનો વારો આવે છે, આવો એક કિસ્સો હિંમતનગરમાં બન્યો છે હિંમ્મતનગરના યુવાનને એક અમદાવાદી યુવાને યુવતીના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી છેતર્યો છે અને યુવકને બ્લેકમેઇલ પણ કર્યો છે.

હિંમતનગરમાં રહેતાં એક યુવકને સપ્તાહ અગાઉ અમદાવાદના એક યુવકે ‘અર્પિતા પટેલ’ નામની યુવતીના ફેસબુક એકાઉન્ટની મદદથી સંપર્ક કરીને અન્ય સ્ત્રીઓ સાથે શારીરીક સંબંધ બાંધવાની લાલચ આપીને સભ્યપદ માટે પૈસા ભરાવીને ફેસબુક મેસેન્જર પર વીડિયો કોલ મારફતે તેના ચહેરા તથા અન્ય અંગ બતાવવાનું કહીને સ્ક્રીન રેકોર્ડીંગ દ્વારા ન્યૂડ વીડિયો બનાવીને હિંમતનગરમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વધુ નાણાંની માંગણી કરી હતી.જે બાદ ગભરાઈ ગયેલ યુવકે સાયબર સેલનો સંપર્ક કરતાં પોલીસે ઉપરોક્ત યુવક તેમજ હિંમતનગરના અન્ય એક યુવકને પણ બ્લેકમેઈલ કરનાર અમદાવાદના યુવકને ઝડપી લઈને કોરોના ટેસ્ટ કરાવવા માટે સિવિલ મોકલી દીધો છે.આ મામલે સાયબર સેલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.